વોશિગ્ટન, 25 જૂન 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને તેને સંબધિત સૈન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે અમેરિકી સંસદ (કોંગ્રેસ) પાસે 87.6 અબજ ડોલર (આશરે 8.25 લાખ કરોડ રૂપિયા) ના વધારાના ફંડની મંજૂરી માંગી છે. વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ બાદ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ પ્રસ્તાવ અનુસાર, માંગવામાં આવેલી કુલ રકમમાંથી મોટો હિસ્સો એટલે કે 67.15 અબજ ડોલર (આશરે 6.33 લાખ કરોડ રૂપિયા) માત્ર સંરક્ષણ અને સૈન્ય જરૂરિયાતો માટે ફાળવવામાં આવશે.
આ રકમ ગયા વર્ષે મંજૂર કરાયેલા આશરે 1 ટ્રિલિયન ડોલરના સંરક્ષણ બજેટ ઉપરાંતની છે. આ સાથે જ, ટ્રમ્પ પ્રશાસન આગામી નાણાકીય વર્ષ માટે લગભગ 1.5 ટ્રિલિયન ડોલરનું નવું સંરક્ષણ બજેટ પણ માંગી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ નાણાંનો ઉપયોગ ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા સૈન્ય અભિયાનો, સેનાની સજ્જતા, હથિયારોના ભંડારને ફરીથી ભરવા અને કેટલાક ગુપ્ત સંરક્ષણ કાર્યક્રમો પાછળ કરવામાં આવશે. જેમાંથી 21 અબજ ડોલર (આશરે 1.98 લાખ કરોડ રૂપિયા) દારૂગોળો ખરીદવા, સંરક્ષણ ઉત્પાદન વધારવા અને સેનાને મજબૂત કરવા માટે અનામત રાખવામાં આવ્યા છે.
સેનેટમાં ડેમોક્રેટ નેતાએ દરખાસ્તની આકરી ટીકા કરી
બીજી તરફ, અમેરિકી સંસદમાં ઈરાન સાથેના આ યુદ્ધને લઈને વિરોધના સૂર સતત તીવ્ર બની રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકી સેનેટે એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહી તાકીદે રોકવા માટે જણાવ્યું છે. આ પૂર્વે સંસદના નીચલા ગૃહ ‘પ્રતિનિધિ સભા’ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં પણ આવો જ પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે, જેમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ વિપક્ષી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો હતો. આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીની આંતરિક બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રિપબ્લિકન સેનેટર બિલ કેસિડી વચ્ચે તીખી દલીલો થઈ હોવાના અહેવાલ છે. કેસિડીએ યુદ્ધ રોકવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. બંને પક્ષના અનેક સાંસદોનો આરોપ છે કે સરકારે યુદ્ધ સંબંધિત સંપૂર્ણ માહિતી સંસદને આપી નથી અને રાષ્ટ્રપતિએ કોંગ્રેસને ભરોસામાં લીધા વિના જ ઘણા મોટા સૈન્ય નિર્ણયો લઈ લીધા છે.
વિપક્ષી ડેમોક્રેટિક નેતાઓનું કહેવું છે કે સરકારે યુદ્ધ પાછળ આટલા આંધળા આર્થિક ખર્ચા કરવાને બદલે દેશની આંતરિક આર્થિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સેનેટમાં ડેમોક્રેટ નેતા ચક શુમરે આ દરખાસ્તની આકરી ટીકા કરી છે, જ્યારે સેનેટર પેટી મરેએ જણાવ્યું હતું કે સૈનિકોનું સમર્થન કરવું જરૂરી છે, પરંતુ યુદ્ધના આ વધારાના ખર્ચની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા માંગવામાં આવેલા આ વિશાળ આર્થિક પેકેજમાં માત્ર સંરક્ષણ ખર્ચ જ સામેલ નથી, પરંતુ અન્ય સામાજિક અને માળખાકીય યોજનાઓનો પણ સમાવેશ કરાયો છે. જેમાં આફ્રિકામાં ઇબોલા રોગચાળા સામે લડવા માટે 1.4 અબજ ડોલર, અમેરિકી ખેડૂતોની સહાય માટે 11.1 અબજ ડોલર, પૂર્વ ડેલ્ફી કર્મચારીઓના પેન્શન માટે 1 અબજ ડોલર, વૉશિંગ્ટનના બાંધકામ પ્રોજેક્ટ્સ માટે 50 કરોડ ડોલર અને ન્યૂયોર્કના પેન સ્ટેશનના પુનર્નિર્માણ માટે 1 અબજ ડોલરની ફાળવણીની પણ માંગ કરવામાં આવી છે.

