Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકામાં શરિયા પર પ્રતિબંધ લગાવતા કાયદાને ટ્રમ્પનું સમર્થન, દેશમાં માત્ર એક જ...

અમેરિકામાં શરિયા પર પ્રતિબંધ લગાવતા કાયદાને ટ્રમ્પનું સમર્થન, દેશમાં માત્ર એક જ કાનૂની વ્યવસ્થા ઉપર જોર

વાશિંગ્ટન, 27 ઓગસ્ટ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકામાં શરિયા કાયદા પર રોક લગાવતા કાયદાનું સમર્થન કરશે. તેમણે તર્ક આપ્યો છે કે દેશમાં અલગ-અલગ નહીં પરંતુ માત્ર એક જ કાનૂની વ્યવસ્થા હોવી જોઈએ. રૂઢિવાદી પ્રસારક ગ્લેન બેક સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે આ ટિપ્પણી કરી હતી. બેકે પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ અમેરિકામાં શરિયા વિરોધી કાયદા માટે દબાણ કરશે અથવા તેના પર હસ્તાક્ષર કરશે? આ સવાલના જવાબમાં ટ્રમ્પે બે ટૂંકી અને સ્પષ્ટ બાબતો કહી. તેમણે જણાવ્યું કે શરિયા કાયદો આ દેશ માટે નથી અને અહીં કોઈ શરિયા કાયદો નહીં ચાલે. સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો કે, અમેરિકાના કેટલાક વિસ્તારોમાં આ કાયદાનું પાલન થવા લાગ્યું છે, જોકે તેમણે આ દાવા માટે કોઈ ચોક્કસ સ્થળ કે પુરાવા રજૂ કર્યા નહોતા.

અમેરિકી કાનૂની વ્યવસ્થા સિવાય ઇસ્લામિક ધાર્મિક કાયદાના અમલનો વિરોધ કરતા ટ્રમ્પે યુરોપની રાજધાનીઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ લંડન કે પેરીસ જાય છે, ત્યારે ત્યાં જીવન જીવવાની પદ્ધતિ તદ્દન અલગ જ લાગે છે, જે એક વિચિત્ર બાબત છે. ટ્રમ્પે બેકને ખાતરી આપી હતી કે તેઓ આ પ્રતિબંધના મામલે મજબૂતાઈથી સાથ આપશે. તેમણે આ મુદ્દાને રાજકીય વિચારધારાને બદલે ‘સામાન્ય સમજ’ નો વિષય ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે સારી રાજનીતિ એટલે જ સામાન્ય સમજ, અને તેઓ શરિયા કાયદાની બાબત પર ચોક્કસપણે અંકુશ લગાવશે.

  • મોંઘવારી માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવતા ટ્રમ્પ

જો કે, ટ્રમ્પે એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ આ માટે કોઈ નવો સંઘીય કાયદો લાવશે, એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડશે કે પછી કોંગ્રેસના કોઈ પ્રસ્તાવનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે જ્યાં પણ શરિયા કાયદો જોવા મળશે, ત્યાં સત્તાવાળાઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને તાત્કાલિક હટાવવો જ પડશે. આપણી કાનૂની સિસ્ટમ એક જ છે અને તે સર્વોત્તમ છે. આ ઇન્ટરવ્યુ દરમિયાન ગ્લેન બેકે મોંઘવારી અંગે પણ સવાલ પૂછ્યો હતો કે રિપબ્લિકન પાર્ટી વધતી મોંઘવારીથી ચિંતિત યુવા અમેરિકનોને શું જવાબ આપશે? જેના જવાબમાં ટ્રમ્પે મોંઘવારી માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવતા દાવો કર્યો હતો કે તેમના શાસનમાં તેમને ભારે મોંઘવારી વારસામાં મળી હતી, જેને હવે નિયંત્રિત કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular