Site icon Revoi.in

બ્રિક્સ દેશો પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચીમકી

Social Share

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે, યુએસ વિરોધી નીતિઓનું સમર્થન કરતા બ્રિક્સ દેશોને કડક ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે,” ‘અમેરિકા વિરોધી’ નીતિઓ સાથે જોડાયેલા દેશોએ, 10 ટકાના વધારાના ટેરિફનો સામનો કરવો પડશે.” ટ્રમ્પની આ નવી જાહેરાત વૈશ્વિક વેપારમાં વધુ અનિશ્ચિતતાનો સંકેત આપે છે. કારણ કે અમેરિકા, ભારત સહિત તેના ઘણા વેપારી ભાગીદારો સાથે ટેરિફ પર વાટાઘાટો ચાલુ રાખે છે, જે 9 જુલાઈના રોજ સમાપ્ત થાય છે. અમેરિકન રાષ્ટ્રપતિનું આ વલણ બ્રિક્સ દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફએમસીબીજી) ની બેઠકના સંયુક્ત નિવેદન પછી સામે આવ્યું છે, જેમાં ટેરિફમાં વધારો અને નોન-ટેરિફ પગલાં સહિત વેપાર અને નાણાકીય સંબંધિત કાર્યવાહી પર એકપક્ષીય લાદવા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અગાઉ 9 એપ્રિલના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે 3 મહિના માટે ટેરિફના અમલીકરણને અટકાવી દીધું હતું. આ સમયગાળો 9 જુલાઈના રોજ
સમાપ્ત થઈ રહ્યો છે.

ટેરિફ અંગે અમેરિકા અને ભારત વચ્ચે વાટાઘાટોમાં ગતિરોધ ચાલુ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે,” ભારત હંમેશા મજબૂત સ્થિતિમાંથી વાટાઘાટો કરે છે, કોઈપણ પ્રકારના સમયમર્યાદાના દબાણ હેઠળ નહીં.” અમેરિકા દ્વારા વિશ્વના દેશો સામે લાદવામાં આવેલા બદલો લેવાના ટેરિફની સમયમર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. બીજી તરફ, બ્રાઝિલમાં 17મું બ્રિક્સ સમિટ ચાલી રહ્યું છે. બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અન્ય વિકાસશીલ દેશો બ્રિક્સમાં જોડાયા છે, જે વધીને 10 થઈ ગયા છે. બ્રિક્સ જૂથમાં વિશ્વની લગભગ અડધી વસ્તી અને વૈશ્વિક જીડીપીનો લગભગ 40 ટકા હિસ્સો સામેલ છે. બ્રિક્સ જૂથના દેશો વૈશ્વિક વેપાર અને રોકાણ પ્રવાહનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે.