અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રોસરીથી લઈ રોજિંદા ઉપયોગની ખાદ્ય વસ્તુઓ સુધી દરેક ક્ષેત્રમાં કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું રાજકીય તેમજ આર્થિક નિર્ણયો કરતાં અનેક ફૂડ આઇટમ્સ પર લાગુ કરાયેલા ઇમ્પોર્ટ ટેરિફ પાછા ખેંચી લીધા છે. આ પગલું ગ્રાહકોને તાત્કાલિક રાહત આપતું સાબિત થઈ શકે છે.
ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે ટમેટા, કેળા સહિત અનેક ફૂડ પ્રોડક્ટ્સ પર લગાડવામાં આવેલી ભારે ઇમ્પોર્ટ ડ્યૂટી હવે લાગુ રહેશે નહીં. આ નવી છૂટ બુધવારે મધરાતથી જ અમલમાં આવી ગઈ છે, એટલે કે નિર્ણય રેટ્રોસ્પેક્ટિવ અસરથી લાગુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ટેરિફ વધારવાથી મોંઘવારી પર કોઈ અસર પડવાની નથી, પરંતુ વધતી કિંમતો અને જનતા વચ્ચેની નારાજગી બાદ સ્થિતિ બદલાઈ છે.
સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બર સુધી ગ્રાઉન્ડ બીફ 13% અને સ્ટેક 17% જેટલું મોંઘું થયું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટો વધારો છે. કેળા 7% મોંઘા થયા છે, જયારે ટમેટાની કિંમતોમાં 1% નો વધારો નોંધાયો છે. કુલ મળીને ઘરગથ્થુ ખાદ્ય વસ્તુઓના ભાવમાં 2.7% સુધીનો ઉછાળો નોંધાયો છે. તાજેતરમાં વર્જીનિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં થયેલા સ્થાનિક ચૂંટણીમાં ડેમોક્રેટ્સના સારા પ્રદર્શન અને જનઅસંતોષને કારણે મોંઘવારી ચૂંટણીનો મોટો મુદ્દો બની હતી. ચારોતરફ વધતી કિંમતોને કારણે ટ્રમ્પ પ્રશાસન પર દબાણ વધી રહ્યું હતું, જેના કારણે ફૂડ ટેરિફ ઘટાડવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
ટેરિફ રદ થયા પછી અમેરિકા અર્જેન્ટિના, ઇક્વાડોર, ગ્વાટેમાલા અને એલ સલ્વાડોર સાથે નવી વેપાર સોદા તરફ આગળ વધી રહ્યું છે. અંતિમ મંજૂરી મળ્યા બાદ આ દેશોથી આવતા અનેક ફૂડ પ્રોડક્ટ્સ પરનો ટેક્સ સંપૂર્ણપણે દૂર થશે. પરંતુ ડેમોક્રેટ નેતા રીચર્ડ નીલે પ્રહાર કરતાં કહ્યું કે, “ટ્રમ્પ પ્રશાસન એ જ આગ બુઝાવી રહ્યું છે, જે તેણે જ લગાવી હતી.” તેમણે દાવો કર્યો કે ટેરિફની નીતિ જ મોંઘવારીનું મુખ્ય કારણ છે અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સતત નબળું પડી રહ્યું છે.

