Site icon Revoi.in

ટ્રમ્પના આકરા ટેરીફથી ગુજરાતના સીફુડની 300 કરોડની નિકાસને ફટકો પડ્યો

Social Share

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરીફ લાદતા દેશના અનેક ઉદ્યોગો સંકટમાં મુકાયા છે. જેમાં સી-ફુડ ઉદ્યોગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. માત્ર ગુજરાતમાંથી સી-ફુડની 300 કરોડની નિકાસને ફટકો પડ્યો છે. અગાઉ મળેલા ઓર્ડરો કેન્સલ થઈ રહ્યો છે. ગુજરાતમાં 17 લાખ લોકો પત્યક્ષ અને પરોક્ષરીતે સી-ફુડના ઉદ્યોગ સાથે જોડાઈને રોજગારી મેળવી રહ્યા છે. ગુજરાતનો માછીમારી વ્યવસાય ઠપ થઈ જવાની શક્યતા છે. ત્યારે સરકાર પાસે મદદની માગ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સીફૂડ નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ પર, ટ્રમ્પના આકરા ટેરિફને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. આ ટેરિફની સીધી અસર ગુજરાત સહિત દેશભરના લાખો માછીમારો અને સીફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોની આજીવિકા પર પડી છે. અમેરિકાના 50 ટકા ટેરીફને લીધે ભારતના લગભગ 7.4 બિલિયન ડોલર એટલે 65,000 કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય પર અસર પડી છે. કારણ કે, અમેરિકા ભારત માટે ઝીંગા નિકાસનું સૌથી મોટું બજાર છે. સી-ફુડના ઉદ્યોગ સાથે સંકળાયેલાઓના કહેવા મુજબ  ટેરિફ, અગાઉ લાગુ કરાયેલી એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી સાથે મળીને, કુલ ડ્યુટીનો ભાર 57-58% સુધી પહોંચાડી દે છે.

સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEAI)ના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના કુલ સીફૂડ નિકાસમાં કલ્ચર્ડ પ્રાઉન્સનો હિસ્સો 70% જેટલો છે, જેમાંથી 40% જેટલા ઝીંગા અમેરિકાને નિકાસ કરવામાં આવે છે. આ ટેરિફને કારણે અમેરિકામાં ભારતના 2.7 બિલિયન ડોલરના નિકાસ પર સીધી અસર થઈ છે. શરૂઆતમાં, ખરીદદારો 25%ના વધારાને સ્વીકારતા હતા, પરંતુ 50%ના નવા ટેરિફને કારણે મોટાભાગના લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. 100 કન્ટેનરના વાર્ષિક ઓર્ડર જેવા કરારો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ ગુજરાત ગંભીર છે, ગુજરાતમાંથી 300 કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે.

ટ્રમ્પના આકરા ટેરિફથી ગુજરાતમા માછીમારોની રોજગારી પર મોટી અસર પડી છે. રાજ્યમાં લગભગ 17 લાખ જેટલા લોકો સીધા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જ્યારે 6-7 લાખ લોકો પરોક્ષ રીતે આ વ્યવસાય પર નિર્ભર છે. રાજ્યમાં 20,000થી વધુ મોટી ટ્રોલર બોટો અને 3,000થી વધુ માછલી ફાર્મ્સ કાર્યરત છે. આ બધાની રોજગારી અને આજીવિકા આ નિકાસ પર સીધી રીતે આધારિત છે. કહેવાય છે કે. આ સંકટની સીધી અસર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, તેમજ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના એક્વાકલ્ચર ફાર્મ્સ પર પડી રહી છે. આ રાજ્યોની સરકારોએ માછીમારો અને ફાર્મર્સને રાહત આપવા માટે પહેલેથી જ પગલાં લીધા છે.

Exit mobile version