Site icon Revoi.in

સુરતમાં બિલ્ડર પાસે ખંડણી માગીને હુમલો કરવાના બનાવમાં બે આરોપીની ધરપકડ

Social Share

સુરતઃ શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડર પાસે ખંડણી માગતા અને ખંડણી ન આપતા બે શખસોએ હુમલો કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ખંડણી માગીને હુમલો કરનારા બે શખસોની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ માથાભારે હોવાનું અને અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. બંને આરોપીએ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં ખંડણીની માંગણી કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  તા. 06 ઓગસ્ટ 2025ના રોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસ્લમભાઇ અબ્દુલરહીમ શેખની સગરામપુરા ખાતે આવેલી ઓફિસ પર આ કામના આરોપીઓ અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ (ઉ.વ. 29, રહે. સગરામપુરા નવી ઓલી મહોલ્લો, સુરત શહેર) અને ઇર્શાદ ઉર્ફે સલમાન એહસાન શેખ (ઉ.વ. 19, રહે. અસ્ફાક ખીરની બિલ્ડીંગ, સગરામપુરા નવી ઓલી મહોલ્લો, સુરત શહેર, મૂળ રહે. હૈદરપુર, દિલ્હી) ગયા હતા.ત્યાં આરોપીઓએ ફરિયાદી અને તેમના ભાઈને ચપ્પુ બતાવીને બળજબરીથી રૂ. 50,000 ની ખંડણી વસુલ કરી હતી. ત્યારબાદ ગત તા. 25 સપ્ટેમ્બર 2025ના રોજ આ આરોપીઓએ ફરીથી ફરિયાદીની ઓફિસ ખાતે જઈને વધુ પૈસાની માંગણી કરી હતી અને માંગણી પૂરી ન થતા ફરિયાદીને લોખંડના ટોકર વડે ઇજા પહોંચાડીને નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ નોંધાતા શહેરની અઠવાલાઇન્સ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ, અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ અને ઇર્શાદ ઉર્ફે સલમાન એહસાન શેખની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ અઠવા અને સલામતપુરા પોલીસ મથકમાં મારામારી તેમજ ખંડણીના ગુનાઓ સહિત બે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે બંને આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.