Site icon Revoi.in

સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ બાખડી પડતા બન્નેને ફેકચર

Social Share

સુરત, 6 ઓગસ્ટ 2026 : Two BJP leaders clashed inside an MLA’s office in Surat શિસ્તબધ્ધ ગણાતી ભાજપમાં હવે નેતાઓ વચ્ચેના ઝગડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ બાખડી પડ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવથી પ્રદેશ કાર્યાલય સુધી ફરિયાદો પહોંચી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં ભાજપના ધારાસભ્ય કાંતિ બલરએ તેમની ઓફિસમાં ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા મ્યુનિના પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મિટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી ઉગામીને હુમલો કરતા ભાજપના મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થયું હતું.

ધારાસભ્યની ઓફિસમાં મળેલી બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. હુમલામાં ઘવાયેલા મનહરભાઈએ 100 નંબર પર કોલ કરીને બે વાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધારાસભ્ય કાંતિ બલરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહીને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોર્પોરેટર જયશ્રી વોરાએ જણાવ્યું હતું કે, ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમની પર અને તેમના પતિ પર અચાનક હુમલો કરી દીધો હતો. વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને સીધી ખુરશી ઉપાડીને મારવા દોડ્યા હતા. .આ અંગે પ્રદેશના નેતાઓને ઈમેઈલથી ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ કહ્યુ હતું કે, મેં કોઈને પણ માર માર્યો નથી. ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું હતું કે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર દલીલ બાદ બંને સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે ઝપાઝપી તથા મારપીટ થઈ હતી. સ્થિતિ વણસતા મેં તેમજ અન્ય કોર્પોરેટરો જેવા કે જયશ્રી, વિક્રમભાઈ અને સ્વાતિબેન પટેલે વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા.

Exit mobile version