રાજકોટ, 15 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયો હતો. રાજકોટ-મોરબી હાઈવે પર ગત મોડી રાત્રે સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો હતો. આ ઘટનામાં બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક બાળકોના નામ વાછકપર બેડી ગામના મોક્ષ બાબરીયા (ઉ.વ. 3) અને વાંકાનેર ગામની શ્રેયા મદરેસણીયા (ઉ.વ. 9) હોવાનું જાણવા મળ્યુ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, રાજકોટ નજીક બેડી વાછકપર ગામે રહેતા બાબરીયા પરિવાર ગઈકાલે મકરસંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછકપર પરત આવતો હતો. આ દરમિયાન I-20 કારમાં તેમની સાથે મદરેસણીયા પરિવાર પણ હતો. ત્યારે કાગડદી પાટિયા પાસે વળાંક લેતા સમયે રાજકોટ તરફતી આવતી સ્કોર્પિયો કાર (GJ-04-FA-7771)એ I-20 કારને અડફેટે લીધી હતી. I-20 કારમાં સવાર બંને માસીયાઈ ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીમાં સવાર અન્ય પરિવારજનો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને બાળકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બેડી વાછકપર ગામે રહેતા મોક્ષ બાબરીયા (ઉ.વ. 3) અને વાંકાનેર રહેતી શ્રેયા મદરેસણીયા (ઉ.વ. 9)નું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

