1. Home
  2. revoinews
  3. ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન
ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન

0
Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 10 માર્ચ, 2026 – Translation workshop શહેરની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી દિવસોમાં અનુવાદની કાર્યશાળા – વર્કશોપનું આયોજન થયું છે. કાર્યશાળામાં શહેર અને રાજ્યના પ્રતિષ્ઠિત વરિષ્ઠ અનુવાદકો અને ભાષા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનુવાદમાં રસ ધરાવતા પ્રાધ્યાપકો અને અન્ય નાગરિકોને અનુવાદ પ્રક્રિયા તથા તેની સાથે સંકળાયેલી અન્ય બાબતો અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

રિવોઈ સમાચાર પોર્ટલ સાથે આ અંગે વિશેષ વાત કરતા ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલકુમાર પરમાર, આ વિભાગના સિનિયર પ્રાધ્યાપક ડૉ. અમરેન્દ્ર પાંડે તથા સિનિયર પ્રાધ્યાપક ડૉ. દિવ્યેશ ભટ્ટે કહ્યું કે, અનુવાદ વિશેના સેમિનાર તો યોજાતા હોય છે. એવા સેમિનારોમાં વાતચીત બધી થાય પરંતુ અનુવાદ પ્રક્રિયા તથા તેની સાથે સંકળાયેલી આર્થિક સહિતની અન્ય વિશેષતાઓ અંગે સચોટ માર્ગદર્શન અને દિશા પ્રાપ્ત થતી નથી.

આ પણ વાંચોઃ ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

ક્યારે યોજાશે વર્કશોપ?

આ કાર્યશાળા આવતા અઠવાડિયે 16 અને 17 માર્ચ એમ બે દિવસ યોજાશે. વર્કશોપ ગૂજરાત વિદ્યાપીઠમાં જ યોજાશે.

અનુવાદ પ્રક્રિયા વિશે નિસબત ધરાવતા ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોએ કહ્યું કે, આ જ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠ દ્વારા સૌપ્રથમ વખત આવી કાર્યશાળાનું આયોજન વિચારવામાં આવ્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિસ બંનેનું યોગ્ય માર્ગદર્શન આપી શકાય.

ડૉ. અમરેન્દ્ર પાંડે સાહેબે માહિતી આપી કે, બે દિવસની આ કાર્યશાળામાં રાજ્યના લબ્ધપ્રતિષ્ઠિત અનુવાદકો અને ભાષા નિષ્ણાતો – સર્વશ્રી ડૉ. અરુણાબા જાડેજા, ડૉ. રૂપાલી બર્ક, ડૉ. પ્રણવ જોશીપુરા તથા ડૉ. રાજેશ પટેલ દ્વારા અનુવાદ વિશે વક્તવ્ય આપવામાં આવશે અને ત્યારબાદ દરેક વક્તવ્યને અંતે વિદ્યાર્થીઓ સહિત સહભાગીઓ પાસે પ્રેક્ટિસ કરાવવામાં આવશે.

ડૉ. દિવ્યેશ ભટ્ટ સાહેબે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં AIનો પ્રભાવ અતિશય વધી ગયો હોવાથી ઘણા લોકો અનુવાદ માટે પણ એઆઈનો આશ્રય લે છે. જોકે, એઆઈ શબ્દોનો અનુવાદ કરી શકે પરંતુ તે સાહિત્યમાં રહેલો ભાવ પકડી ન શકે અને તેને કારણે મશીનથી થયેલા એવા અનુવાદ નિરર્થક બની જાય છે. એ જ વાતને ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠમાં યોજાઈ રહેલી કાર્યશાળામાં અનુવાદ વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

આ સંદર્ભમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલકુમાર પરમાર સાહેબે ખૂબ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, આ અમારો પ્રથમ પ્રયાસ છે અને છતાં વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 100 લોકો કાર્યશાળામાં જોડાશે તેવો અમને વિશ્વાસ છે. તેમણે માહિતી આપી કે, તેમના વિભાગ દ્વારા હવે દર વર્ષે આવી એક વર્કશોપ યોજાય તેવી વિચારણા કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, અનુવાદ હંમેશાં શૈક્ષણિક વિશ્વનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાસું રહ્યું છે. જોકે, અનુવાદ પ્રક્રિયા કદી એક અધ્યયન શાખાનો દરજ્જો પ્રાપ્ત કરી શકી નથી. જ્ઞાનના પ્રસાર માટે મહત્ત્વનું માધ્યમ હોવા છતાં આ કળા સાહિત્યિક અભ્યાસ કાર્યક્રમોના હાંસિયા પર રહી છે. એ સ્થિતિમાંથી બહાર આવવા આ વર્કશોપનું આયોજન વિચારવામાં આવ્યું છે.

કેવા કેવા વિષય ઉપર માર્ગદર્શન મળશે?

વર્કશોપ દરમિયાન સાહિત્યિક અનુવાદ, કાનૂની (લીગલ) અનુવાદ, કાવ્યનો અનુવાદ વિશે તો માર્ગદર્શન મળશે જ, પરંતુ સાથે સૌથી અગત્યની વાત એ છે કે, આ દ્વારા વિવિધ ભાષા માટે ઈન્ટરપ્રિટર (દુભાષિયા) તરીકે કેવી રીતે કારકિર્દી ઘડી શકાય તે વિશે પણ જાણવા મળશે.

ડૉ. અમરેન્દ્ર પાંડે તથા ડૉ. દિવ્યેશ ભટ્ટે જણાવ્યું કે, આગામી સમયમાં અમદાવાદમાં 2036ની કૉમનવેલ્થ ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ થવાની છે. તે સમયે માત્ર અંગ્રેજી જાણનારા જ નહીં પરંતુ અન્ય ભાષાના વિદેશી નાગરિકો પણ અહીં આવશે. અને તે સમયે ઈન્ટરપ્રિટરની ઘણી મોટી માંગ ઊભી થઈ શકે છે. અત્યાર સુધી માત્ર દિલ્હીમાં આવા અભ્યાસક્રમ દ્વારા ઈન્ટરપ્રિટર તૈયાર થઈ રહ્યા છે, પરંતુ હવે અમદાવાદમાં પણ એ માટે માહિતી, માર્ગદર્શન મળે તેવો અમારો આશય છે જેથી આપણા યુવાનોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મળી શકે.

કોણ અને કેવી રીતે ભાગ લઈ શકે?

આ અંગે વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા જારી એક બ્રોશરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, કાર્યશાળામાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, અનુવાદ અંગે સાચી નિસબત ધરાવતા અન્ય નાગરિકો ભાગ લઈ શકે છે. આ માટે રજિસ્ટ્રેશન લિંક (https://forms.gle/dbvLz3fGeiBtBcsG9) તેમજ બારકોડ પણ આપવામાં આવ્યા છે. વર્કશોપમાં ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે રૂ. 200, પીએચડી સંશોધક વિદ્યાર્થીઓ માટે રૂ. 300 તથા શિક્ષકો અને અન્ય રસ ધરાવતા સહભાગીઓ માટે રૂ. 500 ફી રાખવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code