Site icon Revoi.in

વાઘોડિયાના સાંગાડોલ ગામ નજીક બે બાઈક સામસામે અથડાતા બેના મોત

Social Share

વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વાઘોડિયાના સાંગાડોલ ગામ નજીક બે બાઈક વચ્ચે સર્જાયો હતો.વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામ પાસે ગત મોડી સાંજે બે બાઇક સામ સામે ભટકાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇક ચાલકોના કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વાઘોડિયા તાલુકાના વેડપુર ગામમાં રહેતા અને મઢેલી ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો 36 વર્ષિય  નિલેશકુમાર રતનસિંહ ચૌહાણ મોડી સાંજે નોકરી પરથી છૂટીને સાથી કર્મચારીને બેસાડી ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સાંગાડોલ ગામ પાસે સામેથી પૂરપાટ આવી રહેલી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નિલેશકુમાર ચૌહાણનું અને સામેથી બાઇક લઇને આવી રહેલા સાંગાડોલ ગામના રહેવાસી 17 વર્ષિય રાજેન્દ્રસિંહ મકવાણાનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતા લોકો દોડી આવ્યા હતા અને તુરત જ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ બંને યુવાનના ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. બે યુવાનના અકસ્માતમાં મોત નીપજતા પંથકમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. બીજી બાજુ આ બનાવવાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.  બંને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને બાઈકોના ટુકડા થઈ ગયા હતા. એક મોટરસાયકલનું તો વ્હીલ પણ છૂટું પડીને દૂર ફેંકાઈ ગયું હતું. તે જ રીતે બીજી બાઇકને પણ ભારે નુકસાન થયું હતું

Exit mobile version