Site icon Revoi.in

ચાણસ્માના બ્રાહ્મણવાડા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત

Social Share

પાટણઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પાટણ  જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, પાટણ  જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બેના મોત નિપજ્યા હતા.અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓ ચાણસ્મા તાલુકાના છમિછા ગામના હોવાનું જાણવા મળ્યુ છે. રિક્ષા અને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેના કારણે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક બંને વ્યક્તિઓની ડેડબોડીને ધારપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version