Site icon Revoi.in

સતલાસણા-ખેરાલુ હાઈવે પર ઈકોકાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, બેના મોત

Social Share

વિસનગરઃ સતલાસણા-ખેરાલુ હાઇવે પર એસટી બસ અને ઇકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં પ્રવાસ કરી રહેલા બે પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 6 પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતનો બનાવ સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા સંભવનાથ મંદિર નજીક સર્જાયો હતો.

આ અકસ્માતની વિગતો એવી છે કે,  મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા જૂના તારંગા રેલવે સ્ટેશન અને સંભવનાથ મહાદેવ પાસે સવારે અંબાજીથી રાજપીપળા જતી એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે ઇકોકારમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢ્યા હતા.અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી.એસટી બસ  અંબાજીથી રાજપીપળા જતી હતી.જ્યારે ઇકો બરોડાથી આવતી હોવાનું જાણવા મળ્યું છે.

ખેરાલુથી સતલાસણા સુધી નવા હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે.ત્યારે આ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે બીજી બાજુ હાઇવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવા માટે ખાડા પડ્યા છે અને રોડ પણ તૂટેલો છે. જેને લઇને અહીં વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.