Site icon Revoi.in

અમદાવાદના શહેર કોટડામાં ત્રણ લાખના હશીશ સાથે બે શખસો પકડાયા

Social Share

અમદાવાદ,19 ફેબ્રુઆરી 2026: શહેરમાં ડ્રગ્સ, ગાંજો સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત એજન્સીઓ સક્રિય છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં ગતમોડી રાત્રે દરોડો પાડીને લાખોની કિંમતનું ‘હશીશ’ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલા આ દરોડાથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવની વિગત એવી છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરકોટડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.  આ ઓપરેશન દરમિયાન 1.456 કિલોગ્રામ હશીશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજે 3,64,000 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને અન્ય સાધનો મળી કુલ 4,43,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઉત્તર પ્રદેશના રામમૂરત ચમાર અને કુબેરનગરના રાકેશ ઉર્ફે રોકીની ધરપકડ કરી છે, જ્યારે અયોધ્યાના વિજયકુમાર વિશ્વકર્માને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો અમદાવાદના સ્થાનિક સપ્લાયર્સને પહોંચાડવાનો હતો.

અમદાવાદનો શહેર કોટડા વિસ્તાર ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. અગાઉ અહીં દારૂના મામલે બે પોલીસકર્મીઓ વચ્ચે થયેલી મારામારીનો કિસ્સો છેક ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો હતો. થોડા સમય પહેલા PCB એ અહીંથી દારૂનો જથ્થો પકડ્યો હતો અને હવે SMC એ ડ્રગ્સ પકડ્યું છે. જ્યારે બહારની એજન્સીઓ વારંવાર દરોડા પાડીને ગેરકાયદે પ્રવૃત્તિઓ પકડે છે, ત્યારે સ્થાનિક પોલીસની સતર્કતા અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Exit mobile version