Site icon Revoi.in

સુરતમાં ઘોડદોડ રોડ પરના બંગલામાં થયેલી ચોરીના કેસમાં બે શખસો પકડાયા

Social Share

સુરત, 27 માર્ચ 2026: Two accused arrested in theft case  શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા એક બંધ બંગલાને નિશાન બનાવી લાખોની ચોરીના કેસમાં કુખ્યાત ‘મોડેલ ગેંગ’ના બે શખસોને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ સામે અગાઉ 25થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ઘોડદોડ રોડ પર સુભાષનગર સોસાયટીમાં ગત 22 માર્ચ, 2026ના રોજ ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણ અજાણ્યા ઇસમો બંગલામાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ 1.74 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં (1) રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપૂજક (ઉં.વ. 25), (2) કરણ ઉર્ફે કાળીયો વિનુભાઈ દેવીપૂજક (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચાંદીની ટ્રે (349 ગ્રામ), પાયલ, કડા, હાર, લોકેટ અને ચાંદીના 87 સિક્કાઓ કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી એપ્રિલિયા કંપનીની બાઈક (GJ-05-SR-5179) પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,19,226ની ચાંદી અને 50,000ની બાઈક મળી 1,69,226નો મુદ્દામાલ કબજે કરાયો છે.

Exit mobile version