Site icon Revoi.in

સુરતમાં મોબાઈલ ફોન ઝૂંટવીને બાઈક પર નાસી જતા બે સ્નેચર પકડાયા

Social Share

સુરતઃ શહેરમાં મોબાઈલ ફોન સ્નેચિંગના બનાવો વધતા જાય છે. ખાસ કરીને સમીસાંજ બાદ રાતે વોકમાં નિકળેલા લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને બાઈક પર આરોપીઓ ફરાર થઈ જતા હતા. મોબાઈલ ફોન ઝૂંટવતા અને ચાલુ બાઇક પર ફૂલ સ્પીડમાં ફરાર થઈ જતા બે રીઢા મોબાઈલ સ્નેચરને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને આ આરોપીઓની ધરપકડ કરી છે, પકડાયેલા બન્ને આરોપી દિવસે મજૂરી અને હીરા ઘસવાનું કામ કરતા હતા અને રાત્રે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતાં.

ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ બાદ પોલીસે આ ગુનાઓને ગંભીરતાથી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સતત 15 દિવસ સુધી ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ અથાગ પ્રયત્નોના અંતે, પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને બન્ને આરોપીને દબોચી લીધા હતા. પકડાયેલા બન્ને આરોપીના નામ શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ હોવાનું જાણવા મળ્યુ છે. આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. બાઇક પર ફૂલ સ્પીડમાં આવીને, તેઓ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ત્યાંથી બાઇક લઈને ભાગી જતા હતા.

પોલીસની પૂછતાછમાં એવું જાણવા મળ્યું છે કે, દિવસ દરમિયાન, આ આરોપીઓ સામાન્ય માણસોની જેમ મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતા હતા, જ્યારે રાત્રે તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થઈ જતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક તેમજ છે, તેમજ સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસે કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ મોબાઈલ સ્નેચિંગ કરીને મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઉત્રાણ પોલીસ હાલ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે આ આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અન્ય વિસ્તારોમાં બનેલા મોબાઈલ સ્નેચિંગ અને અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.

Exit mobile version