Site icon Revoi.in

અમદાવાદમાં ટેટની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીને કારે અડફેટે લેતા ગંભીર ઈજા

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં અજીત મિલ નજીક આજે સવારે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.  હિંમતનગરથી અમદાવાદમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)ની પરીક્ષા આપવા આવેલા બે યુવાનોને અજીતમીલ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બેફામ કારે બન્ને વિદ્યાર્થીઓને અડફેટે લેતા ગંભીરરીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, આજે રવિવારે સવારે હિંમતનગરથી બે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટેની TETની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ અજીતમીલ ચાર રસ્તા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક પુરપાટ ઝડપે દોડતી કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પરીક્ષાર્થીઓ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલકને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને સારવાર માટે તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

Exit mobile version