Site icon Revoi.in

ભચાઉના લાખાપર ગામે પશુ ચરાવવા ગયેલા બે કિશોરના તળાવમાં ડૂબી જતા મોત

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડૂબી જતા બે કિશોરોના મોત થયા છે. લાખાપર ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળી આવતા તંત્રને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢયા હતા. આ બનાવથી ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, ભચાઉના લાખાપર ગામના માલધારી પરિવારના 14 વર્ષીય કમલેશ બેચારભાઇ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઇ કોળી નામના બે કિશોરો ગઇકાલે ઘરેથી રાબેતા મુજબ પોતાની ભેંસો સહિતનો માલઢોર લઇને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા. રોજના સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.પરિવાજનો અને ગ્રામજનોએ મોડી રાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખુંદીને બંને કિશોરોની શોધખોળ કરી હતી, પરંતું બંનેની કોઇ ભાળ નહોતી મળી. આ દરમિયાન આજે વહેલી સવારે ગામના તળાવના કાંઠે બંને કિશોકોના ચંપલ જોવા મળતા બંને કિશોરો તળાવામાં ડૂબી ગયા હોવાની શંકાઓ ઉપજી હતી. બંને કિશોરો તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા જતાં ગ્રામજનોએ તુરંત તંત્રમાં જાણ કરતાં પોલીસ કાફલા સાથે ફાયર વિભાગની ટીમો લાખાપર ગામ પહોંચી હતી અને કડકડતી ઠંડીમાં બંને કિશોરોની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન એક કિશોરનો મૃતદેહ બે કલાક બાદ અને બીજા કિશોરનો મૃતદેહ ત્રણ કલાકે મળી આવ્યો હતો.

આ અંગે ભચાઉ મામલતદારના કહેવા મુજબ કિશોરો ગુમ થયા હોવાની અને એમના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા હોવાની અમને જાણ થતાં અમારી ટીમ લાખાપર પહોંચી હતી અને શોધખોળ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

આ અંગે વાઢીયા જૂથ ગ્રામપંચાયતના સરપંચ કૃષ્ણપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોળી પરિવારના બંને કિશોરોના તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતા, પોલીસમાં જાણ કરાઈ હતી. બચાવ માટે નજીકના શિકારપુર ગામના મુસ્લિમ યુવકોની પણ મદદ લેવાઈ હતી. આ યુવકોએ કડકડતી ઠંડી વચ્ચે પાણીમાં બાળકોની શોધ કરી હતી. બંને કિશોરોના તળાવમાં ડૂબીને મોત થતાં બંનેના કિશોરોના પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

Exit mobile version