Site icon Revoi.in

ધનસુરાના ભેસાવાડા નજીક વીજળીનો કરંટ લાગતા બે અજાણ્યા શખસોના મોત

Social Share

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામે વીજ કરંટ લાગવાથી બે અજાણ્યા વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટના ગામના સાકરી પૂલ પાસે બની હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મૃતકો ચોરીના ઇરાદે આ વિસ્તારમાં આવ્યા હતા. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ બનાવની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પૂલ પાસે વીજ કરંટ લાગવાને કારણે બે અજાણ્યા શખસોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં વીજ કરંટ એટલો જોરદાર હતો કે બંને વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણ રીતે બળી ગયા હતા. બન્ને શખસો વીજપોલના જીવંત તારના સંપર્કમાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કરંટ લાગતાની સાથે જ બે અજાણ્યા શખસો આગની લપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં તેમના શરીર કોલસાની જેમ બળીને ભડથું થઈ ગયા હતા. મૃતકો છોટા હાથી વાહન લઈને આવ્યા હતા જોકે, મૃતક બન્ને શખસોની  ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મૃતકો ચોરીના ઇરાદે આ વિસ્તારમાં આવ્યા હતા. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ધનસુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ વિધિ શરૂ કરી છે.

Exit mobile version