વડોદરા, 31 મે, 2026 : Two women caught stealing મહારાષ્ટ્રથી આવીને શહેરના ગોલ્ડન બ્રિજ નીચે પડાવ નાખીને રહેતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી બે મહિલાને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. શહેમાં છેલ્લા બે મહિનાથી ચોરીના બનાવોમાં વધારો થતાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પોલીસ મથકમાં ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીને ગોલ્ડન બ્રિજ પાસેથી ઝડપી પાડી આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકી શહેરમાં સવારના સમયે મકાનોમાં ચોરી કરવા માટે આવેલી છે અને હાલ ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બ્રિજ નીચેથી બે શંકાસ્પદ મહિલાઓને કોર્ડન કરી ઝડપી પાડી હતી. બંને મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીમાં અકીલાબેન પવાર (રહે. લોખંડી પાડા બોઇસર,પાલઘર) અને લીલીબેન પવાર (રહે.પાલઘર રેલ્વે સ્ટેશન પાસે)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મહિલા આરોપીઓ પોતાના પતિ, સગાંઓ અને નાના બાળકો સાથે હાઇવે રોડના બ્રિજ પાસે પડાવ નાખીને રહેતા હતા. સવારના સમયે વડોદરા શહેરમાં નીકળીને જે મકાનો ખુલ્લા હોય અથવા તાળું મારેલ ન હોય, તેવા મકાનો ટાર્ગેટ કરી તેમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ, લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરી કરતી હતી.આ આરોપી મહિલાએ રાવપુરા ટાવર પાસે, પટણી મહોલ્લો, ડભોઇ રોડ, નંદવિહાર ફ્લેટ અને અમદાવાદી પોળ, કડવા શેરીના મકાનમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી 1,38,026 રુપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

