Site icon Revoi.in

જામનગર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોના મોત

Social Share

જામનગરઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર ટ્રાફિકમાં વધારો થતાં સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જામનગર નજીક ચેલા ગામ પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક ચેલા ગામ પાસે હાઈવે પર એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પોતાના વાહનને બેફામ ગતિએ હંકારીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર ટક્કરના કારણે બાઇક પર સવાર બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે.