Site icon Revoi.in

ગાંધીધામના અંતરજાળ ગામના તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત

Social Share

ભૂજઃ કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતક યુવકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના 20 વર્ષીય સંજય મોદી અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના 28 વર્ષીય ઈશ્વર મોદીનો સમાવેશ થાય છે. બંને સાળા-બનેવી હતા અને બપોરે બાઈક ધોવા તળાવ પર ગયા હતા. ત્યારે તળાવમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા તળાવમાં બાઈક ધોવા માટે જવાનું કહીને નીકળેલા સંજય અને ઈશ્વર સાંજે 5 વાગ્યા સુધી પરત ન ફરતા તેમના મોટાભાઈ સુરેશે તળાવ પાસે તપાસ કરી હતી. ત્યાં માત્ર બાઈક અને ચંપલ જોવા મળ્યાં હતાં. આ ઘટનાથી ચિંતિત થઈ તેઓએ તરત જ પોલીસ અને તરવૈયાઓને જાણ કરી હતી. ગાંધીધામના મામલતદાર સહિતની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાત્રે 1:10 વાગ્યે સંજયની લાશ તળાવમાં તરતી જોવા મળી હતી. બીજા દિવસે સવારે 11 વાગે ઈશ્વરની લાશ પણ બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સંજય લપસી પડતાં તેને બચાવવા જતાં ઈશ્વર પણ તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. બચાવ કામગીરીમાં પોલીસ, મામલતદારની ટીમ, ગાંધીધામ ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ, નગરપાલિકા ટીમ, ખારીરોહર તરવૈયા, કિડાણા સરપંચ સિદ્ધરાજસિંહ, દુદારસિંહ સોલંકી સહિતના લોકોએ મદદ કરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, સંજય લપસી પડતાં તેને બચાવવા ઈશ્વર તળાવમાં ઉતર્યો હતો. પરંતુ બંને ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો અને સમાજના યુવાનો પણ જોડાયા હતા. ખારીરોહરના તરવૈયાઓ અને ગાંધીધામ રેસ્ક્યૂ ટીમે બોટ દ્વારા રાતભર શોધખોળ કરી. મામલતદારે પણ સ્થળ પર હાજરી આપી અને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.

Exit mobile version