Site icon Revoi.in

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની દોડધામ છતાંયે ટાઈફોડના કેસમાં વધારો

Social Share

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે  ટાઈફોડ રોગચાળો વકર્યો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને ત્વરિત પગલાં લેવા છતાંયે ટાઈફોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા.

ગાંધીનગર શહેરમાં રોગચાળાની સ્થિતિ દિન-પ્રતિદિન સ્ફોટક બની રહી છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, શનિવારે ટાઈફોડના વધુ નવા 13 કેસ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં ટાઈફોડના કુલ 74 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. શુક્રવારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 75 હતી. કરોડોના તોતિંગ ખર્ચે નખાયેલી પાણીની નવી પાઈપલાઈનોમાં વારંવાર થતા લિકેજ અને તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે નિર્દોષ બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે.

 ‘આપ’ના કાઉન્સિલર તુષાર પરીખે સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકીની મેડિકલ ફાઈલના આધારે દાવો કર્યો છે કે, 2 જાન્યુઆરીના રોજ તેનો વિડાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 5 જાન્યુઆરીએ મોત થયું. તે પહેલા 4 જાન્યુઆરીનો ટેસ્ટ પણ ટાઈફોઈડની પુષ્ટિ કરતો હતો. આમ છતાં, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ મોતનું સાચું કારણ છુપાવી રહ્યા છે.

Exit mobile version