Site icon Revoi.in

યુજીસીએ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરી, પ્રવેશ લેતા પહેલા ચેતજો

Social Share

અમદાવાદ, 16 એપ્રિલ 2026: UGC declares 32 universities in the country as bogus નવા શેક્ષણિક સત્રના પ્રારંભને દોઢ મહિના જેટલો સમય બાકી છે. ધોરણ 12નું પરિણામ આવતા જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા ચેતવ્યા છે. યુજીસીએ તેની વેબસાઈટ પર બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે. જો કે ગુજરાતમાં એકપણ બોગસ યુનિવર્સિટી નથી. જ્યારે દિલ્હીમાં 12, ઉત્તર પ્રદેશમાં 04, પશ્ચિમ બંગાળમાં 02, આંધ્રપ્રદેશમાં 02, મહારાષ્ટ્રમાં 02, કર્ણાટકમાં 02, કેરળમાં 02 પોંડીચરીમાં 02, અરુણાચલ પ્રદેશમાં 01, હરિયાણામાં 01, રાજસ્થાનમાં 01, અને ઝારખંડ 01 બોગસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

સીબીએસઈ અને ગુજરાત બોર્ડનું ધોરણ 12ના પરિણામ આવ્યા બાદ વાલીઓ પોતાના સંતાનોને બીજા રાજ્યમાં ભણવા મોકલતા હોય છે અથવા ‘એક્સટર્નલ’ કોર્સ માટે યુનિવર્સિટી શોધતા હોય છે.  તેમના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. દેશભરમાં 32 જેટલી એવી યુનિવર્સિટીઓ ધમધમી રહી છે જે વાસ્તવમાં ‘બોગસ’ છે અને તેમની પાસે ડિગ્રી આપવાની કોઈ જ સત્તા નથી. UGC એ સ્પષ્ટ તાકીદ કરી છે કે, જો કોઈ વિદ્યાર્થી આ 32 પૈકીની એક પણ સંસ્થામાંથી અભ્યાસ કરશે તો તેની મહેનત, સમય અને લાખોની ફી પાણીમાં જશે. યુજીસી અધિનિયમ 1956 મુજબ, ડિગ્રી આપવાનો અધિકાર માત્ર એવી જ સંસ્થાઓને છે જે કેન્દ્ર કે રાજ્ય સરકારના નિયમો હેઠળ સ્થાપિત હોય. આ નકલી સંસ્થાઓ દ્વારા અપાતી ડિગ્રી ગેરકાયદેસર હોવાથી ઉચ્ચ શિક્ષણ કે સરકારી-ખાનગી નોકરીઓ માટે માન્ય રહેશે નહીં.

દિલ્હીની જે સંસ્થાઓથી વિદ્યાર્થીઓને વાલીઓએ દૂર રહેવું જોઈએ તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ અને વોકેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જાણકારીના અભાવે આવી નકલી જાળમાં ફસાઈને પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકે છે. માટે, એડમિશન પહેલાં માત્ર કોલેજનું બિલ્ડિંગ નહીં, પણ તેની માન્યતા જોવી વધુ જરૂરી છે.

Exit mobile version