1. Home
  2. ગુજરાતી
  3. રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ
રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

0
Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરનું પહેલા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પ્રસંગે દિવાળી મનાવવાની અપીલ કરી છે.

 

મંદિરનું લોકાર્પણ જેમ-જેમ નજીક આવી રહ્યું છે, તેનો ઈતિહાસ અને આંદોલન લોકો યાદ કરી રહ્યાછે. હાલમાં બનાવાય રહેલું મંદિર દેશની સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પરિણામ છે. જો કે રામમંદિર માટે હિંદુત્વવાદી સંગઠનોએ લાંબું આંદોલન ચલાવ્યું હતું.

 

જે સ્થાન પર આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં ક્યારેક એક ઢાંચો ઉભો હતો. મુસ્લિમ પક્ષ તેને બાબરી મસ્જિદ ગણાવતો હતો. કારસેવકોએ 6 ડિસેમ્બર, 1992ના રોજ ઢાંચો તોડી નાખ્યો હતો. આ ઘટનાને ભારતીય સમાજ અને રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.

 

મંદિર આંદોલનમાં મહિલાઓ-

 

મંદિર આંદોલન અને બાબરી વિધ્વંસની વાત કરતા જેટલી અગ્રતાથી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ અને વિનય કટિયારના નામ ગણાવાય છે. લગભગ એટલા જ મહત્વપૂર્ણ નામો વિજયારાજે સિંધિયા, સાધ્વી ઋતંભરા અને સાધ્વી ઉમા ભારતીના માનવામાં આવે છે.

 

મંદિર આંદોલનમાં મહિલાઓએ માત્ર ભાગ લીધો ન હતો, પરંતુ નેતૃત્વ પણ પ્રદાન કર્યું હતું. બાબરી વિધ્વંસ બાદ મામલાની તપાસ કરવા માટે બનાવવામાં આવેલા લિબરહાન કમિશને જે 68 લોકોને કોમવાદી ભાવનાઓ ભડકાવવાના દોષિત માન્યા હતા, તેમા વિજયારાજે સિંધિયા, સાધ્વી  ઋતંભરા અને સાધ્વી ઉમા ભારતીના નામ પણ સામેલ હતા.

 

બાબરી વિધ્વંસના સમયે ઉમા ભારતીએ ખાસ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉમા ભારતી તમામ વૃદ્ધ નેતાઓની વચ્ચે ભગવા વસ્ત્ર ધારણ કરીને એક ઓછી વયના સંન્યાસી અને સાંસદ તો હતા જ, તેમણે મંદિર આંદોલનના ચક્કરમાં પોતાનું મુંડન પણ કરાવી લીધું હતું.

 

ઉમા ભારતીનું મુંડન કરાવવાનું કારણ-

 

ઉમા ભારતી ઘણાં જીદ્દી અને તેજ સ્વભાવના રહ્યા છે. આવું તેઓ ખુદ પણ માને છે. 1997માં તેમણે ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, જેમાં તેમને પુછવામાં આવ્યું હતું કે તેમને ખુદના સંદર્ભે સૌથી વધુ શું નાપસંદ છે? તેના જવાબમાં ઉમા ભારતીએ જણાવ્યું કે મને ગુસ્સો ખુબ આવે છે.

 

ઉમા ભારતીનો આ ગુસ્સો ત્યારે પણ જોવા મળ્યો હતો, જ્યારે 90ના દશકમાં સરકારે વિવાદીત બાબરી મસ્જિદ લોકો માટે બંધ કરી દીધી હતી. સરકારની મનાઈ છતાં ઉમા ભારતી ત્યાં જવા માંગતા હતા.

 

1990માં ભાજપના જયપુર અધિવેશનમાં ઉમા ભારતીએ પોતાના મુંડનનો કિસ્સો સંભળાવ્યો હતો. બીબીસીના એક સ્પેશ્યલ રિપોર્ટ પ્રમાણે, તેમણે કહ્યું હતું કે મને મારા લાંબા વાળ ઘણાં પ્યારા હતા. પરંતુ હું એક મંદિરમાં ગઈ અને વાળંદ પાસે મારા માથાના તમામ વાળ સાફ કરાવી લીધા. જ્યારે માથે ટકો થઈ ગયો, ત્યારે અયોધ્યામાં કડક સુરક્ષા છતાં હું એક યુવકના વેશમાં દાખલ થવામાં સફળ રહી.

 

ઉમા ભારતીને સેક્સી સંન્યાસિન કહેવાની બાબત સૌથી વધુ ખરાબ લાગી-

 

મંદિર આંદોલન દરમિયાન ઉમા ભારતીના ખુલ્લાપણાં અને તેમના કથિત સંબંધોને લઈને અવાર-નવાર સમાચાર આવ્યા. તેવામાં લોકોએ તેમને સેક્સી સંન્યાસિનનું લેબલ પણ આપી દીદું. 1997માં ઈન્ડિયા ટુડેના ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે કઈ વાતથી તેમને સૌથી વધુ દુખ પહોંચ્યું? ત્યારે ઉમા ભારતીએ કહ્યું કે મને સેક્સી સંન્યાસિનનું લેબલ અપાય રહ્યું છે. કેટલીક મહિલાઓને આવું વર્ણન પસંદ આવી શકે છે, પરંતુ મને નહીં. હું આને પ્રશંસા તરીકે લેતી નથી. પરંતુ ગેરવર્તન તરીકે આને લઉં છું. મને નથી લાગતું કે મારું આચરણ, રૂપ અથવા પોષાક આવા વર્ણનને લાયક છે.

 

બાબરી વિધ્વંસથી થોડાક દિવસ પહેલા ઉમાએ લીધી હતી દિક્ષા-

 

બાબરી વિધ્વંસ 6 ડિસેમ્બર, 1992ના રોજ થયો હતો. ઉમા ભારતીએ આનાથી થોડાક દિવસ પહેલા જ સંન્યાસની દિક્ષા લીધી હતી. એક ટ્વિટમાં તેમણે કહ્યુ હતુ કે હું 17 નવેમ્બર, 1992ના રોજ અમરકંટકમાં જ સંન્યાસ દિક્ષા લીધી હતી. મારા ગુરુ કર્ણાટકના કૃષ્ણભક્તિ સંપ્રદાયના ઉડુપી કૃષ્ણ મઠના પેજાવર મઠના મઠાધીશ હતા. રાજમાતા વિજયરાજે સિંધિયાજીના અનુરોધ પર ત્યારે અવિભાજીત મધ્યપ્રદેશના અમરકંટક આવીને તેમણે સંન્યાસની દિક્ષા પ્રદાન કરી. મારો સંન્યાસ દિક્ષા સમારંભ ત્રણ દિવસ ચાલ્યો. તેમાં રાજમાતાજી, તે સમયના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પટવા, મુરલી મનોહર જોશી, ભાજપની મધ્યપ્રદેશની લગભગ આખી સરકાર, ભાજપના દેશ-પ્રદેશના વરિષ્ઠ નેતા અને સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો હાજર રહ્યા.

 

મંદિર આંદોલનમાં ઉમા ભારતી-

 

ઉમા ભારતીનો જન્મ ટીકમગઢ જિલ્લાના ડૂંડા ગામમાં એક પછાત લોધ જાતિના ખેડૂત પરિવારમાં થયો હતો. જાહેરજીવનમાં તેમની શરૂઆત ઓછી વયમાં જ થઈ હતી, જ્યારે તેઓ ભાજપના દિવંગત નેતા વિજયારાજે સિંધિયા, આરએસએસ અને વીએચપીના નેતાઓના સંપર્કમાં આવ્યા. ભાજપ અને સંઘના નેતા ઉમા ભારતીના ભાષણ આપવાની શૈલીથી પ્રભાવિત થયા હતા.

 

ઉમા ભારતી 16 વર્ષની વયે ભારત ભ્રમણ પર નીકળી ગયા હતા. તેના પછી તેમણે પોતાના વિચારોને વ્યાપક આકાર આપવાના પ્રયાસમાં 55દેશોની યાત્રા કરી. બાળપણથી જ તેમનો આધ્યાત્મ પ્રત્યે ઝુકાવ હતો. ઓછી વયે તેમણે ગીતા અને રામાયણ સહીત ધાર્મિક મહાકાવ્યોમાં નિપુણતા પ્રાપ્ત કરી, તેનાથી તેમને રામમંદિર આંદોલન દરમિયાન મદદ મળી.

 

ઉમા ભારતીએ 1980ના દાયકામાં સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો અને 1988માં ભાજપના મધ્યપ્રદેશ એકમના ઉપાધ્યક્ષ બન્યા. 1984માં તેમણે લોકસભાની પહેલી ચૂંટણી લડી હતી અને તેઓ હારી ગયા હતા. ત્યારે ભાજપ માત્ર બે બેઠકો જીતી શક્યું હતું.

 

આ ચૂંટણી બાદ અટલ બિહારી વાજપેયીના સ્થાને લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેના પછી ભાજપે 1986માં વિશ્વ હિંદુ પપરિષદના રામમંદિર આંદોલનને સમર્થન આપવાનો પ્રસ્તાવ પારીત કર્યો. ઉમા ભારતીએ તેમાં ભાગ લીધો. પરિણામ એ આવ્યું કે 1989ની ચૂંટણીમાં ઉમા ભારતી સાંસદ બનવામાં સફળ રહ્યા. 1989ની લોકસભાની ચૂંટણીમાં માત્ર 4.4 ટકા મહિલાઓ ચૂંટાય હતી. તેમા ઉમા ભારતી પણ હતા.

 

મંદિર આંદોલનમાં સાધ્વી ઋતંભરાની જેમ ઉમા ભારતી પણ ફાયરબ્રાન્ડ વક્તા તરીકે ઉભર્યા હતા. ઋતંભરાની જેમ જ ઉમા ભારતીના ભાષણોની ઓડિયો ટેપ પણ હિંદી બેલ્ટમાં ખૂબ વહેંચવામાં આવી હતી.

 

બીબીસીના રિપોર્ટ પ્રમાણે, મંદિર આંદોલન દરમિયાન ઉમા ભારતીએ કહ્યું હતું કે મંદિર બનાવવા માટે જો જરૂરત પડશે, તો અમે અમારા હાડકાંની ઈંટ બનાવી દઈશું અને લોહીને ગારો બનાવીશું.

 

બાબરી વિધ્વંસ અને ઉમા ભારતી

 

બાબરી વિધ્વંસવાળા દિવસે ઉમા ભારતી મસ્જિદથી થોડાક અંતર પર અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે એક મંચ પર હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમણે કારસેવકોને હાકલકરતા એક ધક્કા ઔર દો, બાબરી મસ્જિદ તોડ દો-નું સૂત્ર આપ્યું હતું.

 

વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ બાબરી વિધ્વંસનો આંખો દેખ્યો અહેવાલ પોતાના પુસ્તક યુદ્ધ મેં અયોધ્યામાં લખ્યું છે. હેમંત શર્માએ કહ્યુ છે કે મસ્જિદ તોડી પડયાા બાદ ઉમા ભારતીએ મંચ પરથી કહ્યું હતું કે હજી કામ પુરું થયું નથી, તમે ત્યાં સુધી પરિસર છોડતા નહીં, જ્યાં સુધી આખો વિસ્તાર સમતલ થઈ જાય નહીં. બાદમાં ઉમા ભારતીએ બાબરી વિધ્વંસની નૈતિક જવાબદારી પણ લીધી હતી અને આંદોલનનો હિસ્સો હોવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code