અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-2025માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. 31 ડિસેમ્બર-2025ની સ્થિતિએ કુલ રૂ. 104.61 કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે.
રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-2025 સુધીમાં કુલ 26.874 દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારો તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. વધુમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ નથી, તે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી-બચત છે. આ બચત શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, તા. 31 ઓગસ્ટ, 2025 સુધીમાં દેશભરની વિવિધ બેંકોએ અંદાજે રૂ. 75 હજાર કરોડથી વધુ બિનદાવાપાત્ર થાપણો RBIને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત RBI પાસે વીમા ક્ષેત્રમાં લગભગ રૂ. 14 હજાર કરોડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ.3 હજાર કરોડ, કંપનીઓમાં રૂ. 9 હજાર કરોડ અને રૂ. 19 હજાર કરોડના મૂલ્યના શેર બિનઆયોજિત રીતે જમા છે. આમ, દેશમાં અંદાજે કુલ રૂ. 1.82 લાખ કરોડ રકમ અનક્લેમ્ડ છે. હવે સમયાંતરે આ રકમ પરત કરવાનું શરૂ થવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થઇ રહ્યો છે.
ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. 2.836.80 કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે રૂ. 235 કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે, જેમાંથી આ અભિયાન થકી ડિસેમ્બર-2025 સુધીમાં રૂ. 104.61 કરોડની રકમ તેમને કરેલા દાવાઓ મુજબ પરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આ પ્રકારની રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ અભિયાન એ જન ધન યોજના અને UPI થી લઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી નાણાકીય સમાવેશમાં ભારતની વ્યાપક સિદ્ધિઓ પર આધારિત છે, જેથી નાગરિકો માત્ર નાણાકીય સેવાઓ સુધી જ નહીં પરંતુ જે હકદાર છે તે પણ પાછું મેળવી શકે. વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 એમ ત્રણ માસ દરમિયાન ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવી છે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક નાગરિકોને તેમની દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓને સરળતાથી શોધી કાઢવા અને તેનો દાવો કરવામાં મદદ કરી રહી છે.

