Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલને મળશે મંજુરી

Social Share

 ગાંધીનગર, 24 માર્ચ 2026: UCC Bill to be approved in Gujarat Assembly ગુજરાત વિધાનસભામાં આજે UCC (સમાન નાગરિક સંહિતા) વિધેયકને મંજુરી અપાશે. ભાજપે વ્હીપ જારી કરીને પક્ષના તમામ ધારાસભ્યોને હાજર રહેવા તાકીદ કરી છે. ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ UCC  બિલ અંગે કહ્યુ હતું કે, ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે.

 ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે 22માં દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ કુલ 4 વિધેયકો પર ચર્ચા થશે. જેમાં ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચિત UCC બિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી યુસીસી બિલ સદનમાં રજૂ કરશે. આ બિલ પર વિસ્તૃત ચર્ચા થશે. ત્યારે આ વિધેયકને સમર્થન આપવા ભાજપના પદાધિકારીઓ તેમજ સાધુ-સંતો પણ વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભામાં બિલ રજૂ થાય તે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું છે.

UCC મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ગુજરાતની સૌ બહેન, દીકરી અને માતાઓ માટે એક સમાન નિયમ UCC ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી હતી, પરંતુ દેશમાં નિયમો સમાજ, જ્ઞાતિ અને સમાજ આધારિત રહ્યા છે. જેનું સૌથી મોટું નુકસાન મહિલાઓને થયું છે. આજે ગુજરાતમાં તમામ મહિલાઓ માટે એક સમાન નિયમો આગામી દિવસોમાં આવી રહ્યા છે. માટે ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે આજનો દિવસ લખાશે.

 ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરશે. ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરાશે. જો આ બિલ પસાર થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે.

આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

Exit mobile version