Site icon Revoi.in

યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો રિસર્ચ ઈવેલ્યુશનમાં 60 ગુણ લાવશે તો જ સહાય મળશે

Social Share

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રિસર્ચ વધે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2023-24ના બજેટમાં રિસર્ચ ફેલોશિપ-આર્થિક સહાયની બાબત ઉમેરાઈ હતી. જેના ઠરાવમાં સરકારે કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા છે. અધ્યાપકોને રિચર્સમાં અગાઉ સમાનપણે 3 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાતી હતી. એમાં સરકારે સુધારો કરીને હવે જુદી જુદી કેટેગરી પાડી છે,  જેમાં સાયન્સ અને ટેકનોલોજીના રિસર્ચ માટે 3.5 લાખ, તથા કોમર્સ અને આર્ટસના વિષયોમાં રિસર્ચ પ્રોજેક્ટ માટે બે લાખ તેમજ ભાષાના વિષયોમાં રિસર્ચ માટે એક લાખ રૂપિયા નક્કી કરાયા છે. જો કે, નવા ઠરાવમા પણ સરકારે સ્ક્રિનિંગ ટેસ્ટનો ક્રાઈટેરિયા મુક્યો છે અને હવે એકથી બે વર્ષના મેજર-માઈનર રિસર્ચ પ્રોજેક્ટમાં રિસર્ચ ઈવેલ્યુશનમાં 100માંથી 60 ગુણ લાવશે તો જ સહાય મળશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રિસર્ચ એઈડ ફોર ફેકલ્ટી અને રિસર્ચ ફેલોશિપ સ્કીમના ઠરાવની જોગવાઈઓમાં સુધારા કર્યાં છે. જેમાં ખાસ કરીને અગાઉ જે માત્ર ઉચ્ચ શિક્ષણનો ઉલ્લેખ હતો. તેના બદલે ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રાધ્યાપક કે અધ્યાપકના સ્થાને આચાર્ય, પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, અધ્યાપક, ગ્રંથપાલ તેમજ ફીઝિકલટ્રેનિંગ ઈન્સ્ટ્રકચર સહિતના તમામનો સમાવેશ કરાયો છે. હવે વધુ સંખ્યામાં રિસર્ચ સહાય-ફેલોશિપ માટે અરજીઓ થશે અને વધુ લોકોને સહાય મળી શકશે.

રાજ્ય સરકારે નવા ઠરાવમા પણ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી દ્વારા સ્ક્રિનિંગ ટેસ્ટની જોગવાઈ કરી છે. જેમાં ઈવેલ્યુશનનના 20, રિસર્ચ કવેશ્ચનના 20, સર્વેના 20 તથા રિસર્ચ મેથોડોલોજીના 30 તથા રિસર્ચનું રિઝલ્ટ-તારણોના 30 સહિત કુલ 100 ગુણ નક્કી કર્યાં છે. કેસીજી દ્વારા મુકવામા આવનારી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તમામ બાબતોનું સ્ક્રિનિંગ કરશે અને જે અધ્યાપક, આચાર્ય કે ગ્રંથપાલ કે રિસર્ચરને 60 ગુણ મળ્યા હશે, તેને જ રિસર્ચ ગ્રાન્ટ-ફેલોશિપ મળશે.

આ ઉપરાંત સરકારે નવા ઠરાવમાં જુદી જુદી કેટેગરી કરી નાખી છે. અગાઉ નેશનલ, ઈન્ટરનેશનલ અને સ્ટેટ લેવલ ત્રણે કેટગરી હતી. રિસર્ચમાં મેજર અને માઈનર એમ બે વિભાગમાં અધ્યાપક-પ્રાધ્યાપકને 3 લાખ સુધીની ગ્રાન્ટ અપાતી હતી. હવે સરકારે મેજર રિસર્ચ પ્રોજેક્ટમાં એગ્રીકલ્ચર, બાયો કે મિસ્ટ્રી, બાયોટેકનોલોજી, કેમિકલ ઈનજનેરી, કેમિસ્ટ્રી, સિવિલ ઈજનેરી, કમ્પ્યુટર ઈજનેરી, તથી એન્વાયરોમેન્ટ સાયન્સ સહિતના વિવિધ સાયન્સ અને ટેકનોલોજીના વિષયોમાં બે વર્ષના રિસર્ચ માટે 3.50 લાખ રૂપિયા સહાય નક્કી કરી છે. આ એ કેટેગરીમાં કુલ 20 વિષયો છે.