Site icon Revoi.in

ભર ઉનાળે માવઠાએ ખેડુતોને રડાવ્યા, કેરી, કેળા, બાજરી અને ડાંગરના પાકને નુકશાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાને કારણે ખેતી પાકને સારૂએવું નુકશાન થયું છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અંબાજીથી લઇ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તો નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળાં અને ડાંગર જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં ડાંગર, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. ડાંગર ઊભી હોય આડી પડી જતા અને પલળી જતાં હવે ડાંગરનો ભાવ પણ સારો મળશે કે કેમ તેવી ભિતી સેવાઇ છે.

ગુજરાતમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ભારેપવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. ડાંગર પલળી જતા તો ઊભી ડાંગર પડી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે મહીસાગર જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં વાવાઝોડા સાથે વરસેલા 1 ઇંચ વરસાદે ખેતીના પાકો અને ઘાસચારાને નુકસાન પહોંચાડ્યું છે. તેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. પાક નુકસાની અંગે ખેડૂતો સરકાર પાસે વળતરની માગની કરી રહ્યા છે. ખાનપુર તાલુકામાં નરોડા, ડભિયાના મુવાડા, વીરાના મુવાડા, ભેડિયા, મછારના મુવાડા, ઉમરીયા સહિત આસપાસના ગામોમાં અંદાજિત 250 એકર જમીનમાં વાવેતર થયેલા પાકને નુકશાન પહોંચ્યું છે.

આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જિલ્લાના નદીસર પંથકમાં બાજરી અને તલના પાકને નુકસાન પહોંચ્યું હતું છે. તો શાકભાજી પાકો અને ઘાસચારાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.  તેમજ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદમાં માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં ભારે નુકશાન થયું છે. માલપુરના ગ્રામ્ય વિસ્તરોમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો મકાઈ જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે.