અમદાવાદ, 20 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બે દિવસમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. એટલે વાતાવરણમાં પલટો આવશે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા હાલ દેખાતી નથી. રાજ્યના વિવિધ વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો-ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ઠંડી યથાવત્ છે અને આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે. તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે.

