
UP વિધાનસભા ચૂંટણીઃ મથુરાથી CM યોગીને ચૂંટણી જંગમાં ઉતારવા સાંસદે ભાજપને કરી વિનંતી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપનું મવડી મંડળ જ્યાંથી કહશે ત્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેથી યોગી કંઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેને લઈને અટકળો વહેતી થઈ છે. દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ હરનાથ સિંહ યાદવે સીએમ યોગીને મથુરાથી ભાજપના ઉમેદવાર બનાવવાની વિનંતી કરી છે. બીજેપી સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં મથુરાથી ભાજપના ઉમેદવાર સીએમ યોગી આદિત્યનાથને બનાવવા પર વિચાર કરવા વિનંતી કરી.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું કે યોગી આદિત્યનાથે તેમની ફરજ અને ચિંતનથી રાજ્યમાં મોટી પ્રતિષ્ઠા મેળવી છે અને લોકોની વિચારધારા બદલી છે. રાજ્યના ખુદ સીએમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પાર્ટી જ્યાંથી કહેશે ત્યાંથી ચૂંટણી લડશે.
હરનાથ સિંહ યાદવે આગળ લખ્યું છે કે રાજ્યના દરેક વિધાનસભા વિસ્તારમાં મતદારો ઈચ્છશે કે સીએન યોગી તેમની વિધાનસભામાંથી ચૂંટણી લડે. પરંતુ હું ખૂબ જ નમ્ર શબ્દોમાં વિનંતી કરવા માંગુ છું કે મથુરાના લોકોની વિશેષ ઈચ્છા છે કે યોગીજી ભગવાન શ્રી કૃષ્ણજીની નગરી મથુરાથી ચૂંટણી લડે અને મને ભગવાન શ્રી કૃષ્ણથી આ પત્ર લખવાની પ્રેરણા મળી છે.
ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરા ઉપર આ ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ દ્વારા ઉત્તરપ્રદેશના પ્રવાસ કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
રાજકીય તજજ્ઞોના મતે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ બહુમતી મેળવીને સરકાર બનાવતી હોવાનું મનાઈ રહ્યું છે.