યુપી: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મંત્રીઓ સાથે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે,મહિલા સભ્યોને પણ અપાયું આમંત્રણ
લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના કેબિનેટ સાથીદારો સાથે શુક્રવારે સવારે 11.30 વાગ્યે લોક ભવનના ઓડિટોરિયમમાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે. યુએફઓ સિને મીડિયા નેટવર્કના સહયોગથી આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં મહિલાઓની મજબૂત હાજરી હશે.
ભાજપના મહિલા મોરચા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મહિલા સભ્યોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ખાસ શો નિહાળશે. આ ફિલ્મનો પ્લોટ કેરળની મહિલાઓના ધર્માંતરણ અને તેમને જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની પ્રવૃત્તિઓમાં ધકેલવા પર આધારિત છે.
મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવામાં આવશે. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે મુખ્યમંત્રી 12 મેના રોજ લખનઉમાં તેમના કેબિનેટ સાથીદારો સાથે ફિલ્મ જોશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રીએ મંગળવારે મુખ્યમંત્રી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી.