Site icon Revoi.in

અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં ધો.8ના 250 વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો

Social Share

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલના સંચાલકોએ ધોરણ-8ના 250 વિદ્યાર્થીઓને ધોરણ-9માં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન શાળા સંચાલકોએ ધોરણ 9ના વર્ગો બંધ કરવા માટે શહેર શિક્ષણાધિકારીને અરજી કરી હતી. પણ સરકાર દ્વારા ધોરણ 9ના વર્ગો બંધ કરવાની એનઓસી આપવામાં આવી નથી.

રાજસ્થાન સ્કૂલ ફરીવાર વિવાદમાં આવી છે. ગત વર્ષે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા સ્કૂલ વિવાદમાં આવી હતી ત્યારે આ વર્ષે ફરી એક વખત 250 વિદ્યાર્થીઓને પરિણામ લેવા આવ્યા ત્યારે એલસી આપી દીધા હતા. 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.

રાજસ્થાન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 250 જેટલા વાલીઓ આજે સ્કૂલમાં પરિણામ લેવા માટે ગયા હતા.સ્કૂલ દ્વારા પરિણામની સાથે સાથે વાલીઓને એલસી આપી દેવામાં આવ્યું છે. વાલીઓએ જ્યારે ધોરણ 9માં પ્રવેશ માટેની વાત કરી ત્યારે સ્કૂલે ધોરણ 9માં પ્રવેશ આપવાની ના પાડી હતી.આ અંગે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા ધોરણ 9 થી વર્ગ બંધ કરવામાં આવે છે જેને લઈને અમારા બાળકોને ધોરણ નવમાં એડમિશન આપવામાં આવતા નથી.ત્યારે સ્કૂલે વર્ગ બંધ કરવા માટેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ અરજી કરી હતી. પરંતુ કચેરી દ્વારા અરજી સ્વીકારવામા આવી નથી. છતાં સ્કૂલ દ્વારા એડમિશન આપવામાં આવી રહ્યા નથી.

વાલીએ જણાવ્યું હતું કે, અમારા બાળકો વર્ષોથી આ સ્કૂલમાં ભણે છે.આજે જ્યારે પરિણામ લેવા આવ્યા ત્યારે અચાનક જ સ્કૂલ દ્વારા એલસી આપી દેવામાં આવ્યું તો અધવચ્ચે અમારા બાળકોને કઈ સ્કૂલમાં પ્રવેશ મળશે.સ્કૂલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમારી પાસે પૂરતી ફેકલ્ટી નથી જેના કારણે અમે વર્ગો બંધ કરવાના છીએ.