1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ
અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

0
Social Share

બ્રુસેલ્સ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છવાયા છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના અનેક યુરોપિયન દેશોએ પોતપોતાના નાગરિકો માટે ‘ટ્રાવેલ એડવાઈઝરી’ જારી કરી છે. આ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન, ઈઝરાયેલ અને લેબનાન જેવા વિસ્તારો તાત્કાલિક છોડી દેવા અથવા ત્યાંની મુસાફરી ટાળવા સખત સૂચના આપી છે.

બ્રિટિશ સરકારે ઈરાન સ્થિત પોતાના દૂતાવાસમાંથી બિનજરૂરી સ્ટાફને કામચલાઉ ધોરણે પરત બોલાવી લીધો છે. હવે બ્રિટિશ દૂતાવાસ ‘રિમોટલી’ (દૂર રહીને) કામ કરશે. બીજી તરફ, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ, જેરુસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ફ્રાન્સે ચેતવણી આપી છે કે ઈરાન સાથેના તણાવને કારણે પ્રાદેશિક સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે, જેના કારણે ફ્લાઈટ્સ રદ થઈ શકે છે અથવા એરસ્પેસ બંધ થઈ શકે છે.

ઇટાલીએ તેના પ્રવાસીઓને ઈરાન છોડવા અને ઇરાક કે લેબનાન ન જવા તાકીદ કરી છે. જર્મનીએ પણ સમગ્ર ઈઝરાયેલ માટેની ટ્રાવેલ ગાઈડલાઈન્સ અપડેટ કરી છે. પોલેન્ડ અને નેધરલેન્ડના વિદેશ મંત્રાલયોએ પણ નાગરિકોને ચેતવ્યા છે કે જો નાગરિક એરસ્પેસ બંધ થશે તો ત્યાંથી બહાર નીકળવું અશક્ય બની જશે, તેથી સમય રહેતા સુરક્ષિત સ્થાને પહોંચી જવું હિતાવહ છે.

જિનીવામાં રાજદ્વારી વાતચીતના અનેક રાઉન્ડ છતાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય તાકાત વધારતા બે એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અને F-35 સ્ટીલ્થ ફાઈટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ ઉપરાંત જોર્ડન અને ઈઝરાયેલ સ્થિત સૈન્ય મથકોને પણ સજ્જ કરવામાં આવ્યા છે. અમેરિકાએ બેરૂત (લેબનાન) સ્થિત પોતાના દૂતાવાસમાંથી પણ સ્ટાફ ઓછો કરી દીધો છે.

ડચ સરકારના સત્તાવાર નિવેદન મુજબ, આ વિસ્તારમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયેલની બિનજરૂરી યાત્રા ટાળવા જણાવ્યું છે. યુરોપિયન દેશોના મતે, મિડલ ઈસ્ટમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત અસ્થિર છે અને કોઈપણ ક્ષણે સ્થિતિ ગંભીર વળાંક લઈ શકે છે.

આ પણ વાંચોઃ યુપી: પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ કુખ્યાત શૂટર પવન ઉર્ફે કલ્લુનું મોત

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code