Site icon Revoi.in

સીરિયામાં અમેરિકી નેતૃત્વવાળા ગઠબંધને આતંકી સંગઠન ISનો ટોચનો આતંકી ઠાર માર્યો

Social Share

દમાસ્કસઃ અમેરિકી નેતૃત્વવાળા ગઠબંધને જણાવ્યું છે કે વહેલી સવારે સીરિયાના મધ્ય વિસ્તારમાં આઈસિસ (ઇસ્લામિક સ્ટેટ)નો એક ટોચનો આતંકી ઠાર મારવામાં આવ્યો છે. આ આતંકી યુરોપ અને અમેરિકા પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. આતંકી ઈરાકની આતંકવાદ વિરોધી એજન્સીની મદદથી ગઠબંધનના નિશાને આવ્યો હતો. તેની ઓળખ ઉમર અબ્દુલ-કાદર તરીકે થઈ છે, જેને તેના ઉપનામ અબ્દુલ-રહમાન અલ-હલાબીથી પણ ઓળખવામાં આવતો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે અબ્દુલ-કાદર અમેરિકાની સુરક્ષા માટે સીધો ખતરો હતો.

માહિતી અનુસાર, ઉમર આઈસિસના વિદેશી ઓપરેશનોનો વડો હતો અને 2013માં બેરૂત સ્થિત ઈરાનના દૂતાવાસ પર થયેલા બોમ્બ હુમલામાં સામેલ હતો, જેમાં 20થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે કહ્યું કે, “અમેરિકા, અમારી સેનાઓ અથવા વિદેશમાં અમારા સાથીદારો પર હુમલો કરવા માંગતા આતંકીઓને શોધી નાશ કરવા અમે ક્યારેય અટકશું નહીં.”

બ્રિટન સ્થિત સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ અબ્દુલ-કાદર સીરિયાના હમા પ્રાંતમાં ગઠબંધનના એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દુર્રહમાને જણાવ્યું કે અબ્દુલ-કાદર સીરિયાનો નાગરિક હતો. તેને અગાઉ લેબનોનમાં પકડીને દમાસ્કસ સરકારને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સત્તાથી હટ્યા બાદ તે ભાગી ગયો હતો અને હવે મર્યા સુધી ફરાર રહ્યો હતો.

Exit mobile version