અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની ઐતિહાસિક મુલાકાતે આવશે
નવી દિલ્હી, 27 જૂન 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સત્તાવાર રીતે આ અંગેની પુષ્ટિ કરી છે. એક વિશેષ ઈન્ટરવ્યુમાં રુબિયોએ જણાવ્યું હતું કે, તેઓ પોતે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ઐતિહાસિક ભારત મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આગામી વર્ષની શરૂઆતમાં (2027) આ પ્રવાસનું આયોજન કરી રહ્યું છે, જે ભારત અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલી વ્યૂહાત્મક નિકટતાને દર્શાવે છે. હાલમાં બંને દેશો એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક છે.
વ્હાઇટ હાઉસ ખાતે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે, “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રવાસની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લઈશ.” ભારત-અમેરિકાના સંબંધો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તાજેતરમાં યોજાયેલી જી-7 શિખર સંમેલન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં વધુ પ્રગાઢતા આવી છે. આ ઉપરાંત, આગામી સમયમાં ‘ક્વાડ’ દેશોની બેઠક અંગે પણ ટૂંક સમયમાં ચર્ચા થઈ શકે છે. રુબિયોએ ભારતને અમેરિકાનો સૌથી નજીકનો સાથી ગણાવતા કહ્યું કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યક્તિગત સંબંધો ઉત્કૃષ્ટ છે, જે વૈશ્વિક કૂટનીતિમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો પહેલાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ‘નમસ્તે ટ્રમ્પ’ રેલીને સંબોધિત કરી હતી. વર્ષ 2024માં અમેરિકાની સત્તા પર ફરીથી પરત ફર્યા બાદ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને સતત પ્રોત્સાહન આપ્યું છે. પરિણામે બંને દેશો વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગને સતત વધારી રહ્યા છે.
-
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની કાર્યશૈલીમાં અનેક સમાનતાઓ: અમેરિકી રાજદૂત
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત અને અમેરિકાને અસીમિત સંભાવનાઓ ધરાવતા ‘સ્વાભાવિક ભાગીદાર’ ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસમાં આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં ગોરે ભારતમાં પોતાના પ્રથમ છ મહિનાના અનુભવો શેર કરતા કહ્યું કે, “ભારતની વિવિધતા, ઝડપથી વિકસતું અર્થતંત્ર અને અમેરિકા સાથેની મજબૂત ભાગીદારીએ દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્ય પ્રત્યે મારો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે.”
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકારી સંબંધોની પ્રશંસા કરતા રાજદૂતે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી મોદી અત્યંત ઊર્જાવાન નેતા છે. તેઓ દરેક કાર્યમાં વ્યક્તિગત રીતે રસ લે છે અને પરિણામ (રિઝલ્ટ) આપવા પર ભાર મૂકે છે. મને તેમનામાં અને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં ઘણી સમાનતાઓ દેખાય છે, કારણ કે બંને નેતાઓ પોતે આગળ રહીને નેતૃત્વ કરવામાં અને કામ પૂરું કરાવવામાં વિશ્વાસ રાખે છે. બંનેની વિચારસરણી એક સરખી છે.” અમેરિકી રાજદૂતે ભવિષ્યની પ્રાથમિકતાઓ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમનું મુખ્ય ધ્યાન ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને આખરી ઓપ આપવા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર કરવા અને ‘પેક્સ સિલિકા’ જેવી મહત્વકાંક્ષી પહેલોને આગળ ધપાવવા પર રહેશે.


