અમદાવાદ, 27 જૂન 2026: શહેરમાં નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા અમદાવાદની હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં એક વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા એકમો સામે નોટિસોનો સપાટો બોલાવવામાં આવ્યો છે, જ્યારે ભારે બેદરકારી દાખવનાર 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.
આ વ્યાપક ઝુંબેશ અંતર્ગત ફાયર વિભાગની ટીમોએ કાયદાકીય માપદંડો ન જાળવવા બદલ કુલ 154 હોટલો અને 62 શૈક્ષણિક તથા કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારી છે. આ કામગીરી દરમિયાન પશ્ચિમ ઝોનમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જ્યાં સૌથી વધુ 47 હોટલો અને 12 કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી, તેમજ નિયમોના ગંભીર ભંગ બદલ 7 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થાને સીલ કરાઈ છે. આ જ રીતે નોર્થ વેસ્ટ ઝોનમાં પણ ફાયર વિભાગે કડક વલણ અપનાવીને 24 હોટલો અને 5 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપી છે, જ્યારે સુરક્ષાના માધ્યમોનો અભાવ જણાતા 6 હોટલોને સીલ કરી દીધી છે.
શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોનમાં 27 હોટલો તેમજ 8 શૈક્ષણિક સંસ્થાઓ સામે નોટિસની કાર્યવાહી કરાઈ છે. પૂર્વ ઝોનમાં પણ ફાયર વિભાગે લાલ આંખ કરીને 16 હોટલો અને 24 શૈક્ષણિક તથા કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સાઉથ વેસ્ટ ઝોનમાં 20 હોટલોને, સાઉથ ઝોનમાં 13 હોટલો અને 3 શૈક્ષણિક સંસ્થાઓને તેમજ નોર્થ ઝોનમાં 7 હોટલો અને 10 શૈક્ષણિક એકમો સામે નોટિસ આપવાની કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક અને સચોટ પાલન થાય તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે આવી સરપ્રાઈઝ ચેકિંગ અને સીલિંગની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ફાયર વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે પણ વ્યાપારી કે શૈક્ષણિક એકમો ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત સ્થિતિમાં નહીં રાખે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કાયદા મુજબ કડક પગલાં લેવાશે.
(PHOTO-FILE)

