અમદાવાદમાં ધોળા દિવસે 50 લાખની લૂંટ: આરોપીઓ સીસીસીટી કેમેરામાં કેદ
અમદાવાદ, 27 જૂન 2026: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરતો એક સનસનાટીભરી ચીલઝડપનો બનાવ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગરમાં આવેલી એડીસી બેંક સામે મારુતિ પ્લાઝા નજીક બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ અત્યંત ચતુરાઈપૂર્વક આયોજનબદ્ધ રીતે કારમાંથી 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી જ્યારે પોતાની કારમાં મોટી રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર સવાર થઈને આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમની ગાડીની પાછળ બાઈક અથડાવીને અકસ્માતનો ઢોંગ કર્યો હતો. કારની પાછળ બાઈક અથડાતાં જ કારચાલક તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને બાઈક સવારો સાથે બોલાચાલી શરૂ કરી હતી. કારચાલક જ્યારે વાતોમાં અટવાયા હતા, ત્યારે આ રકઝક અને નજર ચૂકવવાનો લાભ લઈને બાઈક પર રહેલા અન્ય એક શખ્સે ઝડપથી કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર રાખેલા 50 લાખ રૂપિયા રોકડા ઉઠાવી લીધા હતા. લૂંટને અંજામ આપીને હેલ્મેટ પહેરેલા આ બંને લૂંટારુઓ ઘટનાસ્થળેથી બાઈક પર સ્પીડમાં ફરાર થઈ ગયા હતા.
-
પોલીસે તપાસ આરંભી, પૂર્વઆયોજીત કાવતરાની આશંકા
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટારુઓએ આ ચીલઝડપને અંજામ આપતા પહેલા કારચાલકની ચોક્કસ રેકી કરી હતી. ગુનેગારોને અગાઉથી જ પાકી જાણ હતી કે કારમાં મોટી રોકડ રકમ લઈ જવામાં આવી રહી છે, અને તેના જ ભાગરૂપે તેમણે પૂર્વઆયોજિત કાવતરું રચીને અકસ્માતનો આખો ખેલ ખેલ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કૃષ્ણનગર પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસ દ્વારા હાલ મારુતિ પ્લાઝા અને આસપાસના તમામ રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓના બાઈક નંબર અને તેમની ઓળખ થઈ શકે. આ ગુનાની મોડસ ઓપરેન્ડી જોતા, પોલીસ ભૂતકાળમાં સરદારનગર જેવા વિસ્તારોમાં અકસ્માતનો ઢોંગ કરીને અથવા નજર ચૂકવીને મોટી રકમની ચીલઝડપ આચરનારા રીઢા ગુનેગારોની ગેંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને આશરે અનેક શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી રહી છે.


