
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ હાજર રહેશે.
સમ્રાટ પૃથ્વીરાજ એ યશરાજ ફિલ્મ્સની પ્રથમ ઐતિહાસિક ફિલ્મ છે, જે બહાદુર રાજા પૃથ્વીરાજ ચૌહાણના ભવ્ય જીવન પર આધારિત છે.ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષય કુમારે મહાન યોદ્ધા રાજા પૃથ્વીરાજની ભૂમિકા ભજવી હતી. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની આક્રમણખોરો અને લૂંટારુઓ સામે ભારતની રક્ષા કરવાની બહાદુરીએ લોકવાયકા દ્વારા અસંખ્ય પેઢીઓને પ્રેરણા આપી છે.આ ફિલ્મ દ્વારા મહાન બાદશાહની હિંમતની ભાવનાને સલામ કરવામાં આવી છે.
માનુષી છિલ્લર આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે રાણી સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે.આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.