
ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ દીકરા અખિલેશને જીતાડવા હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી પ્રજાની વચ્ચે આવવાનું ટાળી રહ્યાં હતા. જો કે, દીકરા અખિલેશ યાદવને જીતાડવા માટે હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં આવ્યાં છે. મુલાયમસિંહ યાદવે મેનપુરીના કરહલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કર્યાં હતા. તેમજ પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ માટે પ્રચાર પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો, જવાનો અને વ્યાપારી આ દેશને મજબુત બનાવશે.
મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે, દેશમાં યુવા બેરોજગાર છે તેમને નોકરી મળવી જોઈએ. યોગી સરકારે આ કામ નથી કર્યું. હુ વિશ્વાસ આપું છું કે, રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો યુવાનોને નોકરી મળી રહે તેવી કામગીરી કરશે. ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરવામાં આવશે. તેમના પાકને વેચવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાતર અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમને સિંચાઈના સાધનની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. ખેત ઉત્પાદન વધશે તો ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના કરહલમાં તા. 20મી ફેબ્રુઆરીએ મતદાન થશે. અહીંથી અખિલેશ યાદવે સપા તરફથી ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ ભાજપાએ કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બધેલને મદાનમાં ઉતાર્યાં છે. ભાજપના સિનિયર નેતા અમિત શાહે પણ એસપીસિંહ બધેલ માટે મત માંગ્યાં હતા. તેમણે જનસભામાં કહ્યું હતું કે, અહીં કમળ ખીલશે તો સમગ્ર ઉત્તરપ્રદેશમાંથી સપા સાફ થઈ જશે.