
ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારના મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થીયરીનો ઉપયોગ કરાશે
લખનૌઃ ભાજપની ટોચની નેતાગીરીએ યોગી સરકારના બીજા કાર્યકાળ માટે કેબિનેટને મંજૂરી આપી દીધી છે. 25 માર્ચે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 40 થી વધુ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાનીના એકાના સ્ટેડિયમમાં યોજાશે. યોગી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ યુપીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખનૌ આવશે. સીએમ યોગીની નવી સરકારમાં ‘નો રિપીટ થીયરી’નો ઉપયોગ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ શકે છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને અન્ય અગ્રણી લોકોની હાજરીમાં પ્રાદેશિક અને જાતિના સમીકરણ અનુસાર લગભગ 70 નામોની પેનલ બનાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાંથી મળેલી પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, બીએલ સંતોષ અને ધર્મેન્દ્ર પ્રધાનનું માર્ગદર્શન લીધા બાદ યોગી કેબિનેટના સભ્યોને મંજૂરી આપવામાં આવી છે. લગભગ બે ડઝન કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. સ્વતંત્ર હવાલો ધરાવતા 10 થી 12 રાજ્યકક્ષાના મંત્રીઓ અને દસથી વધુ રાજ્યમંત્રીઓ બનાવી શકાય છે. કેટલાક ચોંકાવનારા નામો પણ કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
પીએમ મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ઝલક પણ જોવા મળશે. એવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે જે આગામી 15-20 વર્ષ સુધી રાજ્યમાં તેમના વિસ્તાર અને સમાજમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકાર-01માં કેબિનેટમાં સમાવિષ્ટ એવા મંત્રીઓ, જેઓ વિભાગ સાથે જનતાની વચ્ચે સારું પ્રદર્શન કરી શક્યા નથી, તેમને સ્થાન નહીં આપવામાં આવશે.