ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા: 7.1 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
- ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા
- 15000થી વધારે ગામડામાં 100 ટકા વેક્સિનેશન
- કુલ 7.1 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
ગાંધીનગર :રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગુજરાતમાં થયેલા વેક્સિનેશનની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે તા.29 ઓક્ટોબર-2021 શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના 4 કરોડ 46 લાખ 49 હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, 2 કરોડ 54 લાખ 56 હજાર 382 લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. સમગ્રતયા રાજ્યમાં 7 કરોડ 1 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે.
વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે આરોગ્ય રક્ષા કવચ માટેના વેક્સિનેશન, રસીકરણ અન્વયે ગુજરાતે 7 કરોડ 1 લાખથી વધુ ડોઝ આપીને આગવી સિદ્ધિ મેળવી છે.
અધિક મુખ્ય સચિવેએ વધુમાં કહ્યું કે, ગુજરાતે પ્રતિ દસ લાખે બે ડોઝના લાભાર્થી એટલે કે પ્રતિ મિલીયન વેક્સિનેશનમાં ડબલ ડોઝ અન્વયે 7,10,880 ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે. રાજ્યભરના 15467 ગામડાઓ, 501 પ્રાથિમક આરોગ્ય કેન્દ્રો, 31 શહેરી આરોગ્ય કેન્દ્રો તથા 67 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.