Site icon Revoi.in

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

Social Share

વડોદરા, 2 જુન, 2026 : BJP MLA from Manjalpur Yogesh Patel passes away  શહેરના માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે. પટેલ છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. સ્વ. યોગેશ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે.

 વડોદરા શહેરના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સ્વ.યોગેશ પટેલના નિધનથી  ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે પેટાચૂંટણી બાદ તેમના પુત્રની જીત થઈ હતી.

સ્વ. યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હતા.

વડોદરા શહેરના લોકો તેમને કાકાના હુલામણા નામે ઓળખતા હતા.રાજ્ય સરકારમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મંત્રી પદ દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. સામાન્ય નાગરિકો માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતા હતા. વડોદરાના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં અચકાતા નહોતા. વહીવટી શિથિલતા સામે તેઓ મુખ્યમંત્રી અને મંત્રીઓને પત્રો લખીને સચોટ રજૂઆતો કરતા રહેતા હતા. તેમની આ નિડર શૈલીને કારણે જનતામાં તેમનો ભારે આદર હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પેટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા. અને સામાન્યજનના હ્રદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના.

Exit mobile version