Site icon Revoi.in

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનનું 2026-27 વર્ષનું 7609 કરોડનું ડ્રાફ બજેટ રજુ કરાયું

Social Share

વડોદરા, 3 ફેબ્રુઆરી 2026: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું રૂપિયા 7609.63 કરોડનું  ડ્રાફ્ટ અંદાજ પત્ર મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. ડ્રાફટ બજેટમાં નવા કરવેરા સુચવવામાં આવ્યા નથી. ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફીલગુડ બની રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની હોવાથી તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વીએમસીનું ડ્રાફ્ટ બજેટ નવા કરવેરાના ભારણ વિનાનું રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિકાસના કામો થાય તે પર પણ વધુ ધ્યાન આપ્યું છે.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના અંદાજપત્રનો ઈતિહાસ રહ્યો છે કે, જે વર્ષે બજેટ રજૂ કરવાનું થાય છે ત્યારે લોકસભા, વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી આવતી હોવાથી કરદર વધારવામાં આવતા નથી. તે રીતે આ વર્ષે પણ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી યોજાશે તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર કરદર વિનાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે રજૂ થયેલા અંદાજપત્ર કુલ 7609.63 કરોડનું છે જેમાં અંદાજે પગાર ખર્ચ 48% સુધી પહોંચ્યો છે. તેની સાથે સાથે વેરાની આવકમાં પણ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે આવક વધારવા અંદાજની સાથે મ્યુનિસિપલ કમિશનરે ખાસ વિકાસના કામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને એક વર્ષમાં રૂ.2455 કરોડના કામો કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં ખાસ કરીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની હદમાં નવા વિસ્તારોનો ઉમેરો થયો છે તેવા વિસ્તારોના વિકાસ માટે પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

 મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિકાસના કામો રજૂ કર્યા છે. જેમાં સમા, માંજલપુર અને સેવાસી ખાતે 3 નવા ઓડિટોરિયમ બનાવવાની વાત રજૂ કરી છે સાથે સાથે 200 કરોડના બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. રૂ.350 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન કરવા તેમજ 150 કરોડના ખર્ચે વડોદરા કોર્પોરેશન ઓફિસ બનાવવા તેમજ પ્રાથમિક સુવિધાના કામો અને એક્વાટિક પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં પ્રજાના કામો અને ફરિયાદો માટે એક સિવિક સેન્ટર પણ બનાવવાનું આયોજન સાથે વિવિધ વિકાસના કામો રજૂ કર્યા છે. શહેરના વિસ્તાર અને વસ્તીના વધારાને ધ્યાનમાં રાખી નવા છ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જેમાં કર્મચારીઓને રહેવા માટેના મકાનો પણ બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની પાછળ રૂપિયા 150 કરોડનો ખર્ચ થશે.

Exit mobile version