Site icon Revoi.in

અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધી કાલથી દોડશે વંદે ભારત ટ્રેન

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતીથી વેરાવળ સુધી કાલે 26મી મેથી વંદે ભારત ટ્રેન દોડશે. સોમનાથ દાદાના દર્શન કરવા જતા યાત્રાળુઓને આ ટ્રેન વધુ સાનુકૂળ બની રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કાલે તા. 26 મે, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવશે. આ ટ્રેન સર્વિસ ગુજરાતના વિવિધ વિસ્તારોને વધુ નજીક લાવશે અને પ્રવાસીઓને એક આધુનિક અને આરામદાયક યાત્રાનો અનુભવ કરાવશે.

અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ આવતીકાલ તા. 26મીને સોમવારથી કરાશે. આ ટ્રેનમાં પ્રવાસીઓ આરામદાયક પ્રવાસ કરી શકશે.આ ટ્રેન રીક્લાઇનિંગ સીટો, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, CCTV કેમેરા અને ઓટોમેટિક એન્ટ્રી/એક્ઝિટ ગેટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આવતીકાલે સોમવારે ટ્રેન નંબર 09502 રોજ વેરાવળથી સવારે 11:30 કલાકે ઉપડશે અને સાંજના 6:25 વાગ્યે સાબરમતી પહોંચશે, જે દરમિયાન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર સ્ટોપ કરશે. જ્યારે  ટ્રેન નં. 26901 સાબરમતીથી રોજ સવારે 5:25 કલાકે નીકળશે અને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. રિવર્સ રૂટ માટે ટ્રેન નં. 26902 વેરાવળથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:35 વાગ્યે સાબરમતી પહોંચશે. બંને ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સેવા આપશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ કોચની વ્યવસ્થા છે. બુકિંગ 25 મે, 2025થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. વંદે ભારત ટ્રેન ગુજરાતના પ્રવાસીઓને ઝડપ, સુવિધા અને વિશ્વસનીયતા સાથે પ્રવાસનો એક નવો અનુભવ આપશે.