સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ફાઇન આર્ટસ વિભાગમાંથી તમામ અધ્યાપકે સામૂહિક રાજીનામા આપી દેતા અભ્યાસ કરી રહેલા છાત્રોનું ભાવિ અંધકારમય બન્યું છે. યુનિના ફાઈન આર્ટ્સ વિભાગમાં અધ્યાપકોનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. ઘણા સમયથી અધ્યાપકોને નિયમ મુજબનો પુરો પગાર પણ આપવામાં આવતો નહતો. તેથી કંટાળીને એક સાથે 6 અધ્યાપકોએ રાજીનામાં આપી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં લાંબા સમયથી હંગામી નિયુક્તિનો ચેપ પ્રસર્યો છે. યુનિ.માં ઘણા સમયથી કાયમી સ્ટાફને બદલે ઉચ્ચક પગાર કે હંગામી ધોરણે સ્ટાફ રાખી ગાડુ ગબડાવવામાં આવે છે. આવી વૃત્તિને યુનિ.ના વહિવટ ઉપરાંત શિક્ષણની ગુણવત્તા ઉપર પણ ગંભીર અસરો પડી રહી છે. તાજેતરમાં જ નર્મદ યુનિ.ના સત્તાઘીશોના જક્કકી વલણને કારણે ફાઇન આર્ટસ વિભાગ ખાલીખમ થઇ ગયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વીર નર્મદ યુનિ.ના ફાઇ્ન આર્ટસ વિભાગમાં વિતેલા દોઢ દાયકાથી ઇન્ટિરયર ડિઝાઇનીંગને લગતા અલગ અલગ કોર્ષ ચલાવાતા હતા. આ કોર્ષ માટે ફાઇન આર્ટસ વિભાગ પાસે પાયારૂપ 6 અધ્યાપકો હતા. આ તમામ શિક્ષકોને યુનિવર્સિટીએ સાવ નજીવા પગારે રાખ્યા હતા. કાયમી કરવાની વાત તો દૂર તેમનું આર્થિક શોષણ કરાતુ રહ્યું હતું. આખરે અકળાયને યુનિ.ના ફાઇ્ન આર્ટસ વિભાગમાંથી તમામ ટીચીંગ સ્ટાફએ રાજીનામા આપી દીધા છે. યુનિ.ના ફાઇનઆર્ટસ વિભાગમાં પડેલા સાગમટે રાજીનામાને પગલે સમસ્ત દક્ષિણ ગુજરાતના શિક્ષણજગતમાં હડકંપ મચી ગયો છે. નવા સત્રના આરંભ પહેલા જ સ્ટાફ નોકરી છોડી નીકળી જતા યુનિ.ની હાલત કફોડી બની છે. નવા એડમિશન કેવી રીતે થશે. અને જે જૂના છાત્રો છે તેમને ટીચીંગ કેવી રીતે અપાશે તે પ્રશ્ન પેચીદો બન્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સુરતની સાર્વજનિક યુનિ.ના આગમન સાથે ઉચ્ચશિક્ષણ જગતમાં પરિવર્તનનો પવન ફુંકાવાનો શરુ થયો છે. ખાનગી યુનિ.ઓ પ્રતિભાવંત શિક્ષકોને તેમની કવોલીટી પ્રમાણે પગાર આપતા હવે પ્રાઇવેટ યુનિ.માં નોકરીનું ચલણ વધી રહયુ છે. આવી જ એક ઘટના સ્કેટમાં આકાર પામી છે. સ્કેટમાં આ વરસથી ઇન્ટિરયર ડિઝાઇનીંગના કોર્ષ શરુ થવાનો છે. જેને પગલે વીર નર્મદ યુનિ.ના ફાઇન આર્ટસ વિભાગમાંથી શિક્ષકોએ ઉચાળા ભરી લીધા છે. સ્કેટ કોલેજમાં મો માગ્યા પગાર સાથે સિનિયર ટીચર્સ માટે હેન્ડસમ ફીગરના સેલેરી પેકેજ અપાયા છે. જેને પગલે યુનિ.ના ફાઇનઆર્ટસ વિભાગનું ભવિષ્ય અંધકારમય બની ગયુ છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

