Homeગુજરાતીગુજરાતગુજરાતમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, વરસાદને લીધે આવક ઘટતા ભાવમાં ઉછાળો

ગુજરાતમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, વરસાદને લીધે આવક ઘટતા ભાવમાં ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં તમામ ખાદ્ય ચિજ-વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ સરેરાશ 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરના જમાલપુર એપીએમસીમાં લીલા શાકભાજીની રોજની આવકમાં 3 હજાર ક્વિન્ટલ (3 લાખ કિલો)નો ઘટાડો થયો છે. લીલા શાકભાજીની આવક ઘટતા હોલસેલ ભાવમાં 15 ટકા, જ્યારે બહારગામથી આવતા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવક ઘટવાના કારણે થોડા સમય સુધી ભાવ વધારો સહન કરવો પડશે.

ગુજરાતમાં છેલ્લા 25 દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરના જમાલપુર એપીએમસીમાં રોજ સરેરાશ 15 હજાર ક્વિન્ટલ લીલા શાકભાજીની આવક થતી હોય છે. પરંતુ વરસાદના કારણે એપીએમસી સુધી ખેડૂતો શાકભાજી લઈને આવી શકતા ન હોવાથી એક સપ્તાહથી શાકભાજીની આવક ઘટી છે. ચોમાસાને લીધે ટામેટામાં ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે લોકોને થાળીમાંથી ટામેટા અદ્રશ્ય થઈ ગયા છે. બટાકા, વટાણા, ફુલાવર, કોબિજ, ગાજર, રીંગણ, જેવી અન્ય શાકભાજી એકાએક મોંઘા થઈ ગયા છે. છૂટક બજારમાં શાકભાજીના ભાવ લગભગ 30થી 45 ટકા ઉપરાંત વધી ગયા છે. પહેલાં 200 રૂપિયામાં થેલી ભરીને શાકભાજી આવતું હતું. એ શાક અત્યારે 500 રૂપિયા ખર્ચવા છતાંયે આવતું નથી. ટામેટાંના ભાવ એક જ સપ્તાહમાં હોલસેલ માર્કેટમાં કિલોએ રૂ.30થી 40 વધી ગયા છે. જેના કારણે છૂટક બજારમાં ટામેટાંનો ભાવ 160થી 200 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કેટલીક હોટેલ અને સ્ટોરાંએ સલાડમાં ટામેટાં આપવાના બંધ કરી દીધા છે. તો કેટલીક હોટેલ અને રેસ્ટોરાં ટામેટાંની જગ્યાએ ટામેટાંની ફ્રોઝન ચટણીનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજીના પ્રતિકિલોના ભાવ જોઈએ તો લસણ સુકું 200થી 250, આદુ 250થી 350, કોથમિર 180થી 300, રવૈયા 80થી 100, દૂધી 80થી 90, ફલ્વાર 60થી 90, ગવાર, કારેલા અને ભીંડા 80થી 100, ચોળી 100થી 120 છે.

એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો ખેતરમાં શાક લેવા જઇ શકતા નથી. જેથી એપીએમસી સુધી લીલા શાકભાજી આવી શકતા નથી. અન્ય રાજ્યોમાં પણ વરસાદના પગલે રસ્તામાં ગાડીઓ અટવાયેલી છે. લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હજુ જો આવી સ્થિતિ રહેશે તો હમણાં ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments