Site icon Revoi.in

કડીમાં કમોસમી વરસાદને લીધે અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયાં, એકનું મોત

Social Share

મહેસાણાઃ ગુજરાતમાં ગઈ રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના કડીમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસ ભરાઇ ગયું હતું. જેના લીધે ચાર વાહનો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એક સ્કોર્પિયો ચાલકનું ડુબી જતા મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ગત રાતે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે કડીના થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને ત્રણ કાર ફસાઇ હતી. જેમાં સ્કોર્પિયો કાર (GJ 38 BG 5764)ના ચાલક પંચાલ હર્ષદભાઇ ભોગીલાલ (ઉંમર- 40 વર્ષ), મૂળ રહે. ગામ. મેડાઆદરજ, તા. કડીનું ડૂબી જતાં મોત થયું. જ્યારે ડમ્પરના ચાલક અને ક્લિનર સહિતના 6 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા.

શહેરના ફાયરબ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ  રવિવારે મોડી રાત્રે કડીમાં ખાબકેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં સ્કોર્પિયો અને અલ્ટો કાર સહિત ચાર વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણાની ફાયર વિભાગ ટીમ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અલ્ટો અને સ્કોર્પિયો કારને બહાર કાઢી હતી. તરવૈયાની ટીમે રેસ્ક્યુ કરી 6 લોકો સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જોકે સ્કોર્પિયો ચાલક હર્ષદ પંચાલનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.  મૃતક હર્ષદભાઇ પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ આઘાતજનક સાંભળીને પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે દર વર્ષની માફક આ વર્ષે પણ અંડરપાસમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ છે.