- રિજિનલ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને ઉચ્ચ પ્લેટફોર્મ મળશે,
- એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઈજનેરી સહિત અગ્રણી કંપનીઓ ભાગ લેશે,
- મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા માટે દૈનિક લકી ડ્રૉ પણ યોજાશે,
ગાંધીનગરઃ ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજો સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્યૂહાત્મક ભાગીદારી, પોલિસી સપોર્ટ અને રોકાણકારોના સહયોગ દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પશ્ચિમ પટ્ટામાં સમાવિષ્ટ વિકાસ અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની સાથે ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં આયોજિત પ્રથમ કોન્ફરન્સને અસાધારણ સફળતા મળી હતી, જેમાં 18,000 ચોરસ મીટરથી વધુનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો, છ થીમેટિક પેવેલિયન બનાવવામાં આવ્યા હતા, 170થી વધુ MSMEs સહિત 410થી વધુ એક્ઝિબિટર્સે હિસ્સો લીધો હતો, અને આ કોન્ફરન્સમાં 80,000થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. આગામી સમયમાં યોજાનારી VGRCનો ઉદ્દેશ વધુ મોટો અને વધુ પ્રભાવશાળી કાર્યક્રમ આયોજિત કરવાનો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં યોજાનારી કોન્ફરન્સમાં 6 અત્યાધુનિક ડોમ સાથે 20,000 ચોરસ મીટરથી વધુના વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં ક્ષેત્રીય પ્રદર્શન, નવીનીકરણ પ્લેટફોર્મ અને બિઝનેસ નેટવર્કિંગ તકોનો સમાવેશ થશે.
આ એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરીઝ; રિન્યુએબલ એનર્જી; એન્જિનિયરિંગ; બંદરો અને લોજિસ્ટિક્સ; હાથશાળ અને હસ્તકલા; રસાયણો અને પેટ્રોકેમિકલ્સ; બેંકો અને નાણાકીય સંસ્થાઓ; અને શિક્ષણ સંસ્થાઓ સહિત ઉચ્ચ વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ ભાગ લેશે. આ ઉપરાંત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગુજરાત ખનિજ વિકાસ નિગમ, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રવાસન વિભાગ અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ જેવા અનેક મુખ્ય સરકારી વિભાગો અને એજન્સીઓ પણ આ એક્ઝિબિશનમાં ભાગ લેશે.
ક્રાફ્ટ વિલેજ અને બહોળી સંખ્યામાં MSMEs ની ભાગીદારીથી આ વિસ્તારની સમૃદ્ધ કૌશલ્ય પરંપરા અને ઉદ્યોગસાહસિકતા ઉજાગર થશે. VGRE 2026 નું મુખ્ય આકર્ષણ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ અને ઉદ્યમી મેળો હશે, જેનો ઉદ્દેશ્ય માર્કેટમાં નવી તકો ઊભી કરવાનો અને સ્થાનિક MSMEs, કારીગરો તેમજ હાથશાળ અને હસ્તકલા વ્યવસાયોને વૈશ્વિક ખરીદદારો સાથે જોડવામાં મદદ કરવાનો છે. મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા અને ભાગીદારી વધારવા માટે દૈનિક લકી ડ્રૉ પણ યોજવામાં આવશે.

