1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશેઃ જીતુ વાઘાણી
ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશેઃ  જીતુ વાઘાણી

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશેઃ જીતુ વાઘાણી

0
Social Share

ભાવનગરઃ શહેર અને જિલ્લો ઐતિહાસિક વારસો ધરાવે છે, ભાવનગર સ્ટેટના મહારાજા પણ પર્યાવરણ પ્રેમી હતી. વર્ષો પહેલા શહેરના સીમાડે વન ઊભુ કરવામાં આવ્યું હતું અને એનું નામ વિક્ટોરિયા પાર્ક આપવામાં આવ્યુ હતું. ઈંગ્લેન્ડના મહારાણીના નામ પરથી વન વિસ્તારનું નામ વિક્ટોરિયા પાર્ક રાખવામાં આવ્યું હતું , આજેપણ શહેરીજનો માટે વિક્ટોરિયા પાર્ક એક ઓળખ બની ગઈ છે. હવે વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાનો સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને હવે સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશે.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલા વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેન છે. તેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવામાં આવશે. શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્યએ આ પાર્કનું નામ સ્વામી વિવેકાનંદ પાર્ક રાખવાની જાહેરાત કરી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, જે અંગ્રેજી નામો છે તેને હવે બદલાવવા છે. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કનું નામ હવે વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં આવેલું વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તારની સ્થાપના 24 મે 1888ના રોજ ભાવનગર સ્ટેટના તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિહજી દ્વારા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઈંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ 24 મે ના રોજ હતો. જેથી ભાવનગરના રાજાએ આ જ દિવસે આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી ખુલ્લો મુક્યો હતો. આ વન વિસ્તાર 202 હેક્ટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેના રમતગમતનું ઉદ્યાન પણ આવેલું છે. ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરીલાલ છે. આ ઉપરાંત પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં એક ટાપુ પર અનેક પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. જેમાં અનેક પ્રકારના બગલા,ચમચા અને જળકાગળાઓના માળાની વસાહત છે. તળાવની પશ્રિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે. જેના ઉપરથી વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનો નજારો જોઈ શકાય છે.

આ પાર્કમાં 241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારના વૃક્ષો આવેલા છે. જેમાં અરડૂસો, આમલી આસોપાલવ ઈંગોરિયા, ઉમરો, અરીઠા, અર્જુન, આપ્ટો સહિત અનેક વૃક્ષો આવેલા છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારના સાપ જોવા મળે છે. સાથે અનેક જીવ સૃષ્ટિનું કાયમી વસવાટ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code