Site icon Revoi.in

વિરાટ કોહલીનો જન્મ દિવસ, બીસીસીઆઈએ કોહલીના શાનદાર રેકોર્ડ્સ શેર કર્યાં

Social Share

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દુનિયાભરમાં ‘રન મશીન’ના નામથી જાણીતા વિરાટ કોહલી બુધવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશમાંથી તેમને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ અવસર પર બીસીસીઆઈએ વિરાટના શાનદાર રેકોર્ડ્સ શેર કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વિરાટ કોહલીની તસવીર શેર કરી અને પોસ્ટમાં લખ્યું કે આઈસીસી પુરુષ વનડે વિશ્વ કપ 2011, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2025, તથા આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપ 2024ના વિજેતા, ટીમ ઈન્ડિયાના મહાન ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

બીસીસીઆઈએ વિરાટના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડા પણ શેર કર્યા –કુલ મેચ: 553, કુલ રન: 27,673, સદી: 82.

પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું કે કિંગ કોહલી 37 વર્ષના થયા. ભારતીય ક્રિકેટના દિગ્ગજ, વિરાટ કોહલીની અદ્ભુત સફરની ઉજવણી. તેમના માટે વધુ રેકોર્ડ્સ, જીત અને ખુશીઓથી ભરેલું વર્ષ રહે, એ જ શુભકામનાઓ છે.

પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું કે વિરાટ કોહલીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પટેલે વિરાટ સાથે એક તસવીર પણ શેર કરી, જેમાં બંને ખેલાડીઓ આઈપીએલની પૂર્વ સીઝન દરમિયાન મળ્યા હતા. મુનાફે વિરાટ સાથે ટીમ ઈન્ડિયા માટે ઘણા મેચ પણ રમ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા લખ્યું કે રન મશીનને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

વિરાટની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ જન્મદિવસની શુભેચ્છાઓ આપતા એક રેકોર્ડ વિશે માહિતી આપી કે આજના દિવસે વર્ષ 2023માં વિરાટે સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું, “એક ક્રિકેટ યુગ અને એક અમર વિરાસત. જન્મદિવસ મુબારક, વિરાટ.”

Exit mobile version